રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે જ્યારે કાશ્મીર ખીણની મુલાકાત લીધી અને આ તરફ આહટ અને આશંકાઓનું બજાર ગરમ થઈ હતું. કોઈ વિચક્ષણ રાજનીતિજ્ઞોએ આ મુલાકાતને સીધે સીધી કલમ-370ના રદ કરવા સાથે જોડી દીધી હતી. પરંતુ રાજ્યપાલ સત્યપાલ મલિક આ આશંકાઓને અફવા ગણાવતા રહ્યાં અને રાજનેતાઓ અને આમ નાગરિકોને દિલાસો આપતા રહ્યાં કે કોઈ મોટી ઘટનાની શક્યતા નથી. પરંતુ દિલ્હીમાં કંઈક જુદું જ રંધાઈ રહ્યું હતું. જેની શરૂઆત અજિત ડોભાલની દિલ્લી વાપસી સાથે થઈ હતી.
વર્તમાન રાજકીય માહોલમાં જમ્મુ-કાશ્મીરની વાદીઓમાં અને ઘાટીઓમાં કંઈ જ જુદો જ રંગ જોવા મળી રહ્યો છે. હાલ કાશ્મીરમાં જાણે કુદરતી રંગ ઝાંખો પડી ગયો છે અને ચારે તરફ સેનાના જવાનોની તહેનાતીથી લશ્કરી રંગ જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં વર્તમાન હાલત પર અને રાજકીય હલચલ પર ભારત સહિત સમગ્ર દુનિયાની નજર છે. ખીણમાં વધારાના સુરક્ષા દળોને તહેનાત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.
કાશ્મીર ફરવા ગયેલા યાત્રાળુઓ અને અમરનાથ યાત્રા પર આવેલા શ્રદ્ધાળુઓને પરત મોકલવામાં આવી રહ્યાં હતાં. આ બધા વચ્ચે સમગ્ર દેશમાં જેટલા મોઢાં તેટલી અલગ અલગ અટકળો ચાલતી હતી. આપને જણાવી દઈએ કે કાશ્મીરમાં આ માહોલ કંઈ એક જ દિવસમાં નથી બંધાયો. ખીણમાં થઈ શું રહ્યું છે અને શું થવાનું છે? તેને લઈને અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી. આ અટકળોની શરૂઆત ત્યારથી થઈ હતી કે જ્યારે એક અઠવાડિયા પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ કાશ્મીરની મુલાકાતે ગયા અને ત્યાં રોકાણ કરીને પરત ફર્યા.
લગભગ 10 દિવસ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ એક સિક્રેટ મિશન માટે ખીણની મુલાકાતે શ્રીનગર પહોંચ્યાં હતાં. અહીં તેમણે કાશ્મીરની સ્થિતિ જાણવા માટે પ્રથમ હરોળના અધિકારીઓ, સુરક્ષા અને ખુફિયા એજન્સીઓ સાથે અલગ અલગ બેઠકો કરી હતી. આ બેઠક દરમ્યાન અજિત ડોભાલે કાશ્મીરની સ્થિતિ વિશે ઘણી ખાનગી માહિતી એકઠી કરી હતી. તેમની આ મુલાકાત બિલકુલ ખાનગી રાખવામાં આવી હતી. જો કે અજિત ડોભાલની આ મુલાકાત બાદથી જ દેશવાસીઓમાં અને કાશ્મીરીઓમાં કલમ -370 અને 35-એ હટાવવાની અટકળ તેજ થઈ ગઈ હતી.
ડોભાલની કાશ્મીર યાત્રા વિશે જ્યાં એક તરફ અલગ અલગ અટકળો વહેતી થઈ રહી હતી. વહીવટી તંત્ર અનેક યોજનાઓ બનાવી રહ્યું હતું. તેના પર ચર્ચા કરી રહ્યું હતું. તો બીજી તરફ કાશ્મીર ખીણનો આમઆદમી પોતાને વહીવટી અને સુરક્ષા બંદોબસ્તને અનુકૂળ બનાવવા મથી રહ્યો હતો. તેના માટે રાશન અને રોજિંદી જરૂરિયાત એકઠી કરવું એ જ અભિયાન બની ગયું હતું. કોઈને ખબર ન હતી કે શું થવાનું છે. હાં લોકોને ઊંડે ઊંડે એટલું જરૂર લાગતું હતુ કે, કંઈક મોટું થવાનું છે. આ બધા વચ્ચે જે લોકો એવું કહી રહ્યાં હતા કે, કાશ્મીરના વિશેષ દરજ્જાને બદલવા માટે કેન્દ્ર પણ કશું કરી નહીં શકે તે લોકો પણ અંદરથી ભયભીત તો હતા જ કેમ કે, અજીત ડોભાલની કાશ્મીર ખીણ મુલાકાતને કોઈ હળવાશથી લઈ શકે તેમ ન હતું.
એક તરફ અટકળોનું બજાર તેજ થતું રહ્યું અને બીજી તરફ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક અફવાઓનું ખંડન કરતાં રહ્યાં. તેમણે તે વખતે કહ્યું હતું કે, કાશ્મીરમાં હંમેશા અફવાઓ ફેલાતી રહે છે. પરંતુ મુલાકાતો અને આ બધું સામાન્ય છે. ડોભાલની કાશ્મીર મુલાકાત અને કલમ-35 એને રદ કરવાની વાતો સાથે કોઈ સંબંધ નથી અને તેવી કોઈ યોજના પણ નથી. એટલું જ નહીં રાજ્યપાલે અજિત ડોભાલની કાશ્મીર મુલાકાતને અમરનાથ યાત્રા ગણાવી હતી. પરંતુ કાશ્મીરના અને વિપક્ષના નેતાઓને એક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું શ્રીનગરમાં ત્રણ દિવસનું રોકાણ ઘણું શંકાસ્પદ લાગ્યું હતું. તો આ તરફ ડોભાલે બધાને અસમંજસમાં મૂકીને ખીણમાંથી દિલ્હી આવવા માટે વિદાય લીધી હતી. કદાચ કોઈ નવી જ યોજના ઘડવા માટે.
અજિત ડોભાલ કાશ્મીર ખીણની મુલાકાત કરી દિલ્લી પરત ફરી ચૂક્યા હતાં અને કાશ્મીરમાં હલચલ મચી ગઈ હતી. પરંતુ હવે દિલ્લીમાં સરકાર જાણે એક્શન મોડમાં આવી ગઈ હતી. ડોભાલ પરત ફર્યા બાદ 27 જુલાઈએ તરત એ સમાચાર સામે આવ્યા કે, ખીણમાં સુરક્ષાદળોની વધારાની 100 કંપનીઓ તહેનાત કરવામાં આવશે. 100 કંપનીઓની કાશ્મીરમાં તહેનાતી માટે ગૃહ મંત્રાલયે પત્ર લખી દીધો હતો.
100 કંપનીઓની કાશ્મીરમાં તહેનાતી માટે ગૃહ મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ મહાનિદેશકને પત્ર પણ લખી દીધો હતો અને જોત જોતામાં જમ્મુ-કાશ્મીરમાં અર્ધ સૈનિક દળની 100 કંપનીઓને તહેનાત કરવાની મંજૂરી આપી દેવામાં આવી. અર્ધ લશ્કરી દળોની કંપનીઓ કાશ્મીરમાં જમાવટ કરતી જતી હતી અને કાશ્મીર સહિત સમગ્ર દેશમાં કશું નવાજૂનીનો અંદેશો મજબૂત થઈ રહ્યો હતો. સરકારે વર્તમાન કાઉન્ટર ઈન્સર્જન્સી ગ્રીડને મજબૂત બનાવવા માટે આ પગલું ઉઠાવ્યું હતું. સરકારનું કહેવું હતું કે, પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા હુમલાને ખાળવા આ પગલું ભરવામાં આવ્યું છે. સરકાર અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા અને રાષ્ટ્રીય પર્વ પહેલાની સુરક્ષા વ્યવસ્થાનું કારણ રજૂ કરતી રહી.
રાજકીય વર્તુળોમાં, વિપક્ષોમાં અને આમ નાગરિકોમાં કંઈક નવા જૂની થવાની શંકા ત્યારે પાકી બની ગઈ જ્યારે સરકારે વધારાના 10 હજાર જવાનોને કાશ્મીરમાં તૈનાત કરી દીધાં. જમ્મૂ-કાશ્મીરના નેતાઓ અને વિપક્ષોને હવે પાકી ધારણા બંધાઈ ચૂકી હતી કે, સરકાર કોઈ મોટું પગલું ભરવા જઈ રહી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીએ ગત મંગળવારે દિલ્લીમાં જમ્મૂ-કાશ્મીરથી જોડાયેલી પાર્ટીની કોર કમિટીની બેઠક બોલાવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં ભાજપના મહાસચિવ રામમાધવ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈના હાજર રહ્યાં. આ બેઠકના અહેવાલથી એક એવો સંકેત પણ વહેતો થયો કે, સરકાર વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. જેણે સરકારના 370ની કલમ તરફના મોટા કદમની આશંકાને હળવી કરી હતી. પરંતુ તે માહોલ ક્ષણિક રહ્યો.
કેમ કે આ તરફ જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની ઊંઘ ઊડી ગઈ હતી. તેમણે ટ્વિટ કરીને સરકારના એક-એક પગલાંને કાશ્મીરમાં અશાંતિનું કારણ ગણાવી દીધું હતું. તેમણે કાશ્મીરના લોકો માટે ઉશ્કેરણીજનક નિવેદન કરીને એવું કહી દીધું હતું કે, કાશ્મીરના લોકો માટે 15 ઓગસ્ટ બાદ પરેશાનીના દિવસો શરૂ થશે. ઓમર અબ્દુલ્લાએ રાજ્યપાલને મળીને સેનાની જમાવટની આડમાં કાશ્મીરમાં શું રંધાઈ રહ્યું છે તે વિશે જવાબ માગ્યો. પરંતુ જવાબ મળ્યો કે ચિંતા ન કરો બધું ભારતીય લોકોની સુરક્ષા માટે છે.
ઓમર આ જવાબથી સંતુષ્ટ થયા ન હતા તો આ તરફ પીડીપી નેતા મહેબૂબા મુફ્તિએ કડક વલણ અખત્યાર કરતાં એવું કહી દીધું કે તે કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે છેડછાડ સામે અંત સુધી લડશે. તેમણે 35-એ સાથે છેડછાડને દારૂગોળા સાથે રમત સમાન ગણાવી. પીડીપીના અધ્યક્ષે મોદી સરકાર સામે રીતરસ મોરચો ખોલી દીધો હતો. તેમણે જમ્મુ-કાશ્મીરની સમસ્યાને સૈન્યબળથી ઉકેલવાને સરકારની મનોવિકૃતિ ગણાવી હતી.
મહેબુબા મુફ્તિએ ટ્વિટ કરીને ફારુક અબ્દુલ્લાને સર્વદળીય બેઠક બોલાવાવની અપીલ કરી. એટલું જ નહીં તેમણે બંધારણની કલમ 35-એ વિશે કાશ્મીરમાં જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું અને પીડીપી કાર્યકર્તાઓને આ અભિયાન ફેલાવવા માટે આદેશ આપ્યો. પરંતુ આ તરફ સરકાર પોતાના દિમાગમાં ચાલી રહેલી યોજનાઓના અમલીકરણ માટે મન મક્કમ બનાવી ચૂકી હતી. જે નજીકના ભવિષ્યમાં આકાર લેવાની હતી.