બીસીસીઆઇના વહીવટદારોની સમિતિ (સીઓએ) દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની પસંદગી કરવાનું કામ જેમને સોંપવામાં આવ્યું છે તે કપિલ દેવની આગેવાની હેઠળની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી)એ એવું સ્પષ્ટ કરી દીધું છે કે આ પદ માટે તેઓ કોઇ વિદેશીની પસંદગી કરવાની તરફેણમાં નથી. હવે તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે તેને ધ્યાને લેતા એવું લાગી રહ્યું છે કે હાલના કોચ રવિ શાસ્ત્રીની જ ફરી એકવાર આ પદે વરણી કરવામાં આવશે.
માજી કેપ્ટન કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને મહિલા ટીમના માજી કેપ્ટન શાંતા રંગાસ્વામીની સીએસીના એક સભ્યનું એવું કહેવું હતું કે શાસ્ત્રીની દેખરેખમાં હાલમાં ટીમ ઇન્ડિયા સારું જ પ્રદર્શન કરી રહી છે. હવે આ સ્થિતિમાં એ લગભગ નક્કી જ છે કે શાસ્ત્રી જ ફરી એકવાર ટીમ ઇન્ડિયાના કોચ પદે જળવાઇ રહેશે. સીએસીના એક સભ્યનું કહેવું હતું કે અમે કોઇ વિદેશી કોચની તરફેણ નથી કરતાં. હાં, જો ગેરી કર્સ્ટન જેવી કોઇ વ્યક્તિએ આ પદ માટે અરજી કરી હોત તો અમે તે અંગે વિચારણા કરી શકીએ તેમ હતા, પણ ભારતીય કોચ જ અમારી પ્રાથમિકતા રહી છે.
તેમણે કહ્યું હતું કે હાલમાં જ્યારે ભારતીય ટીમ શાસ્ત્રીની દેખરેખમાં સારુ કરી રહી છે, ત્યારે ફેરફાર અંગે શા માટે વિચારવું. તેમણે કરેલી આ વાતને પગલે એવી પુરી સંભાવના છે કે શાસ્ત્રીને જ ફરી કોચ પદે પસંદ કરવામાં આવશે. બીસીસીઆઇના પણ એક સીનિયર અધિકારીએ હાલમાં જ એવું કહ્યું હતું કે શાસ્ત્રી કોચ પદે જળવાઇ રહે તે જરૂરી છે કારણકે ટીમ હાલમાં બદલાવના સમયમાંથી પસાર થઇ રહી છે.