ભારતીય ટીમના બોલિંગ કોચના પદ માટે અરજી કરનારા સુનિલ જોશીનું એવું માનવું છે કે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને એક સ્પિન નિષ્ણાતની જરૂર છે. કોહલી સાથે વિવાદ થયાં પછી ભારતીય ટીમના મુખ્ય કોચપદેથી અનિલ કુંબલે હટી ગયો તે પછી ભારતીય ટીમ સાથે કોઇ સ્પિન નિષ્ણાત રહ્યો નથી.
જોશીએ કહ્યું હતું કે મેં બોલિંગ કોચ માટે અરજી કરી છે. બાંગ્લાદેશની ટીમ સાથે અઢી વર્ષના સફળ કાર્યકાળ પછી હવે હું આગલા પડકાર માટે તૈયાર છું. ભારતીય ટીમ સાથે લાંબા સમયથી કોઇ સ્પિન બોલિંગ કોચ રહ્યો નથી તેથી મને લાગે છે કે મારી વિશેષતા પર વિચાર કરવામાં આવશે. સુનિલ જોશીએ એવું પણ કહ્યું હતું કે કોઇ ટીમ એવું વિચારતી હોય કે તેમને સ્પિન બોલિંગ કોચની જરરૂ નથી તો તેઓ ખોટું વિચારે છે. જોશીના કાર્યકાળમાં બાંગ્લાદેશના મોસાદેક હુસેન, મહેંદી હસન મિરાજ અને શાકિબ અલ હસન વધુ સફળ થયાં છે.