ભારતીય બેડમિન્ટન ડબલ્સ જોડી સાત્વિકસાઇ રાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડ ઓપનમાં ઇતિહાસ રચીને ટાઇટલ જીતી લીધા પછી મંગળવારે જાહેર થયેલા વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં 7 ક્રમની જોરદાર છલાંગ લગાવીને ટોપ ટેનમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય જોડીએ રવિવારે હાલના વર્લ્ડ ચેમ્પિયન અને ત્રીજી ક્રમાંકિત જોડી ચીનના લી જુન હુઇ અને લિયૂ યૂ ચેનને 21-19, 18-21, 21-18થી હરાવીને થાઇલેન્ડ ઓપન ટાઇટલ જીતી લીધું હતું, આ બંનેનું આ પહેલું ટાઇટલ રહેવાની સાથે જ બીડબલ્યુએફ સુપર 500 બેડમિન્ટન ટાઇટલ જીતનારી તે પ્રથમ ભારતીય જોડી પણ બની હતી.
વર્લ્ડ ડબલ્સ રેન્કિંગમાં રંકીરેડ્ડી અને ચિરાગની જોડી હવે 9માં ક્રમે પહોંચી ગઇ છે. આ પહેલા તેઓ 16માં ક્રમે હતા. મહિલા રેન્કિંગમાં થાઇલેન્ડ ઓપનના બીજા રાઉન્ડમાં બહાર થયેલી સાઇના નેહવાલે પોતાનો 8મો અને સિંધુએ પાંચમો ક્રમ જાળવી રાખ્યો છે. પુરૂષોમાં કિદામ્બી શ્રીકાંત 10મા, સમીર વર્મા 13માં અને બી સાઇ પ્રણીત 19માં સ્થાને યથાવત છે. પુરૂષ ડબલ્સમાં મનુ અત્રી અને બી સુમિત રેડ્ડી 25માં ક્રમે જળવાઇ રહ્યા છે. મહિલા ડબલ્સમાં અશ્વીની પોનપ્પા તેમજ એન સિક્કી રેડ્ડીની જોડી એક ક્રમ ઉપર ચઢીને 23માં ક્રમે પહોંચી છે. જયારે મિક્ષ્ડ ડબલ્સમાં પ્રણવ જેરી ચોપરા અને એન સિક્કી રેડ્ડીની જોડી એક ક્રમ નીચે સરકીને 23માં સ્થાને પહોંચી છે.