ઉન્નાવ રેપ કેસની પીડિતા હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહી છે. પીડિતાને દિલ્હી સ્થિત એઇમ્સમાં સારવાર અપાઇ રહી છે. હોસ્પિટલના સુત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે હાલ પીડિતાની સ્થિતિ અતી ગંભીર છે અને તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવી છે. એવા અહેવાલો છે કે પરિસ્થિતિ એટલી કથળી ગઇ છે કે ગમે ત્યારે તેનું મોત પણ થઇ શકે છે.
30મી જુલાઇએ રેપ પીડિતાની કારને એક ટ્રકે ટક્કર મારી હતી, જાણી જોઇને આ અકસ્માતને અંજામ આપવામાં આવ્યો હોવાના આરોપો લાગી રહ્યા છે. અકસ્માતમાં પીડિતાના બે પરિવારજનોના મોત નિપજ્યા હતા જ્યારે પીડિતા અને તેના વકીલ બન્ને ગંભીર રીતે ઘવાતા હાલ સારવાર અપાઇ રહી છે. થોડા દિવસ પહેલા તેના વકીલને પણ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોમવારે દિલ્હી પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી પીડિતાને એઇમ્સમાં દાખલ કરવા માટે એક ગ્રીન કોરિડોરની રચના કરી હતી. ઇમર્જન્સીમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 14 કિમીનું અંતર માત્ર 18 મિનિટમાં પાર પાડવામાં આવ્યું હતું.
હાલ તેની પરિસ્થિતિ અતી ગંભીર હોવાનું હોસ્પિટલના સુત્રોેએ જણાવ્યું હતું. પીડિતા પર ભાજપના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરે રેપ કર્યાનો આરોપ છે. રેપ પીડિતા અને તેના વકીલ 30મીએ કોઇ કામે જઇ રહ્યા હતા ત્યારે રાય બરેલીમા તેની કારને એક ટ્રકે ટક્કર મારી હતી.
આ હુમલો કુલદીપ સેંગરે જ કરાવ્યો હોવાનો પણ તેના પર આરોપ છે. પોલીસે સેંગર અને અન્ય 15થી 20 અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે કેમ કે આ અકસ્માતમાં બે લોકોના પહેલા જ મોત થઇ ચુક્યા છે. દરમિયાન એઇમ્સના સુત્રોએ જણાવ્યું છે કે હાલ રેપ પીડિતાને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મુકવામાં આવી છે.