RBI: હવે તમારી બેંકનું ઓનલાઈન સરનામું બદલાશે: RBI એ બેંકોને નવું ડોમેન અપનાવવા સૂચના આપી છે
RBI: હવે ટૂંક સમયમાં તમારી બેંકનું ઓનલાઈન સરનામું બદલાઈ જશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને આપેલા નિર્દેશમાં કહ્યું છે કે તેઓએ તેમના હાલના ડોમેનને dot bank.in ડોમેનમાં ટ્રાન્સફર કરવા જોઈએ. સેન્ટ્રલ બેંક દ્વારા 31 ઓક્ટોબર સુધીની તારીખ નક્કી કરવામાં આવી છે. RBIના આ પગલાથી, એક તરફ ડોમેન બદલાશે અને બીજી તરફ તેનું ઓનલાઈન સરનામું પણ બદલાશે.
RBI એ કહ્યું કે આવા ડિજિટલ વ્યવહારોમાં સતત થતી છેતરપિંડીને કારણે, તેને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય બેંકે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન છેતરપિંડી અટકાવવા માટે ભારતીય બેંકો માટે એક ખાસ ઇન્ટરનેટ ડોમેન dotbank.in શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
RBI ની આ પહેલનો ઉદ્દેશ્ય સાયબર સુરક્ષા જોખમો અને ‘ફિશિંગ’ જેવી દૂષિત પ્રવૃત્તિઓ ઘટાડવા અને સુરક્ષિત નાણાકીય સેવાઓને સુવ્યવસ્થિત કરવાનો છે, જેનાથી ડિજિટલ બેંકિંગ અને ચુકવણી સેવાઓમાં વિશ્વાસ વધે છે.
“હવે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ ટેકનોલોજી (IDRBT) દ્વારા બેન્કો માટે ‘dot bank.in’ ડોમેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,” એમ સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળના નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NAIXI) ને આ ડોમેન માટે વિશિષ્ટ રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરવા માટે અધિકૃત કરવામાં આવ્યું છે.
IDTBT બેંકોને અરજી પ્રક્રિયા અને નવા ડોમેનને અપનાવવા સંબંધિત વિવિધ પાસાઓ પર માર્ગદર્શન આપશે. RBI એ જણાવ્યું હતું કે બધી બેંકોને તેમના હાલના ડોમેનને ‘dot bank.in’ ડોમેન પર સ્થાનાંતરિત કરવા અને તેને 31 ઓક્ટોબર, 2025 સુધીમાં પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.