છેલ્લી 3 સિઝનથી ગુલાબી બોલ વડે રમાતી રહેલી ભારતની એકમાત્ર ડે એન્ડ નાઇટ ફર્સ્ટ ક્લાસ સિરીઝ દુલીપ ટ્રોફી ટીવી કવરેજના અભાવે હવે ફરીથી લાલ બોલ વડે જ રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતના ટોચના ખેલાડીઓ ભાગ લેશે અને 17 ઓગસ્ટથી 9મી સપ્ટેમ્બર દરમિયાન બેગ્લુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાનારી આ ટુર્નામેન્ટનું ફાઇનલ સુધી જીવંત પ્રસારણ કરવામાં નહીં આવે.
હંમેશની જેમ ત્રણ ટીમમાં ખેલાડીઓની વહેંચણી કરવામાં આવી છે, અને તેમાં શુભમન ગીલને બ્લ્યુ, પ્રિયાંક પંચાલને રેડ અને ફેઝ ફજલને ગ્રીન ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. બીસીસીઆઇના ઓપરેશનલ મેનેજર સબા કરીમે કહ્યું હતું કે 5થી 9 સપ્ટેમ્બર સુધી થનારી ફાઇનલને બાદ કરતાં તમામ મેચ લાલ બોલથી રમાડવામાં આવશે. ફાઇનલ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ પર સીધું પ્રસારણ કરવામાં આવશે.
સબા કરીમે કહ્યું હતું કે અમે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ફ્લડ લાઇટ્સ લગાવી દીધી છે પણ અમે ગુલાબી બોલથી મેચ નહીં રમાડીએ કારણકે તેનું જીવંત પ્રસારણ થવાનું નથી. માત્ર ફાઇનલ મેચનું જ જીવંત પ્રસારણ કરવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું. દુલીપ ટ્રોફી માટેની ટીમો નીચે મુજબ છે.
ઇન્ડિયા બ્લ્યુ : શુભમન ગીલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, રજત પાટીદાર, અનમોલપ્રીત સિંહ, રિકી ભુઇ, અંકિત બાવને, સ્નેલ પટેલ, શ્રેયસ ગોપાલ, સૌરભ કુમાર, જલજ સક્સેના, તુષાર દેશપાંડે, બાસિલ થમ્પી, દિવેશ પઠાણીયા, અનિકેત ચૌધરી, આશુતોષ અમર.
ઇન્ડિયા ગ્રીન : ફેઝ ફજલ (કેપ્ટન), અક્ષત રેડ્ડી, ધ્રુવ શૌરી, પ્રિયમ ગર્ગ, સિદ્ધેશ લાડ, અક્ષદીપ નાથ, રાહુલ ચાહર, ધર્મેન્દ્ર જાડેજા, જયંત યાદવ, અંકિત રાજપુત, ઇશાન પોરેલ, તનવીર ઉલ હક, અક્ષય વાડકર, રાજેશ મોહંતી, મિલિન્દ કુમાર.
ઇન્ડિયા રેડ : પ્રિયાંક પંચાલ (કેપ્ટન), અભિમન્યુ ઇશ્વરન, અક્ષર પટેલ, કરુણ નાયર, ઇશાન કિશન, હરપ્રીત ભાટિયા, આદિત્ય સરવટે, મહિપાલ લોમરોલ, અક્ષય વખારે, વરુણ એરોન, રોનિત મોરે, જયદેવ ઉનડકટ, સંદીપ વોરિયર, અંકિત કલસી.