કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના ખેલાડીઓ હવે ડોમેસ્ટિક સર્કિટમાં જમ્મુ અને કાશ્મીર વતી રમશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની વહીવટદારોની સમિતિ (સીઓએ)ના અધ્યક્ષ વિનોદ રાયે આ માહિતી આપી હતી. સરકારે સોમવારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વહેંચણી કરી હતી. બીસીસીઆઇ હાલના તબક્કે બે પ્રદેશ એકમ બનાવવા માગતું નથી.
રાયે કહ્યું હતું કે અમે હાલમાં લદાખ માટે અલગ ક્રિકેટ એસોસિએશન બનાવશું નહીં. એ વિસ્તારના ક્રિકેટરો બીસીસીઆઇની તમામ ડોમેસ્ટિક સ્પર્ધાઓમાં જમ્મુ-કાશ્મીર વતી જ રમશે. જમ્મુ-કાશ્મીરની રણજી ટીમમાં અત્યાર સુધી લદાખનો કોઇ ખેલાડી નથી. આગામી રણજી સિઝન આ વર્ષના અંતે ડિસેમ્બરમાં શરૂ થવાની છે. રાયને જ્યારે પુછાયું કે શું લદાખને પણ પુડુચેરીની જેમ મતદાનનો હક મળશે ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે હાલમાં અમે આ મુદ્દે કોઇ વાતચીત કરી નથી.