ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે ખાસ કરીને વલ્લભીપુર અને ઉમરાળામાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગઈકાલે સાંજથી શરૂ થયેલ વરસાદ વલ્લભીપુર અને ઉમરાળામાં આંઠ ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો છે.

વરસાદના પગલે વલ્લભીપુરની ઘેલો અને કાળુભાર નદીમાં આવેલા ઘોડાપુરના પગલે કોઝવે પર પાણી ફરી વળતા આ રોડબંધ થઈ ગયો છે,જ્યારે ભારે વરસાદના પગલે વલ્લભીપુર માં નસીતપુર ગામ માંથી પસાર થતી કેરી નદીમાં ઘોડાપુર આવતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને અધિકરીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ગામમાં પાણી ઘુસ્યા
મન મુકીને વરસતા મેઘરાજાએ ઠેર ઠેર પાણી પાણી જ કરી દીધું છે. સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ પડતાં ભાવનગરના વલ્લભીપુરના નસીતપુરમાં નદીના પાણી ઘરમાં ઘુસ્યાં છે.

તો કેરી નદીમાં ઘોડાપૂરના પગલે પણ ગામમાં પાણી ઘુસ્યાં છે. વલ્લભીપુર અને નસીતપુર અનેક મકાનોની દીવાલ ધરાશયી હોવાના બનાવો પણ બન્યાં છે, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

વલ્લભીપુરની નદીમાં પુર આવ્યું
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ભાવનગરમાં મેઘરાજા વહેલી સવારથી ધીમીધારે વરસી રહ્યા છે. વરસાદના પગલે વલ્લભીપુરની કેરી નદીમાં પુર આવ્યું જેના કારણે વાહન વ્યવહાર બાધિત થયો હતો જયારે ભાવનગર શહેરના માર્ગો પર પાણી ભરાયા. ભાવનગરથી અમદાવાદ આવતી તમામ એસટી બસ રોકી દેવાઈ. રૂટ પર આવતા તમામ કોઝવે પર પાણી ફરી વળતા રુટ બંધ કરવામાં આવ્યા છે.

વલ્લભીપુરમાં ભારે વરસાદના પગલે ઘેલો નદી ગાંડીતૂર બની છે. વલ્લભીપુર તાલુકાના પણવી, નવાણિયા અને માલપરા ગામના નીચાણવાળા વિસ્તારમાં રહતા લોકોને ગામની શાળાઓમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સતત લાંબા સમયથી વરસાદ વરસતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે.