ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વરસાદને કારણે રદ થયેલી વેસ્ટઇન્ડિઝ સામેની પ્રથમ વન-ડે મેચ પછી ઘણો નિરાશ જણાયો હતો. કોહલીએ મેચ રદ થયા પછી કહ્યું હતું કે આ કદાચ ક્રિકેટનો સૌથી ખરાબ હિસ્સો છે. આ રીતે વરસાદને કારણે વચ્ચે વચ્ચે રમત અટકે તેનાથી જરાપણ સારું નથી લાગતું.

વિરાટે કહ્યું હતું કે ક્યાં તો વરસાદ પુર જોશથી પડી જવો જોઇએ અથવા તો આખી મેચ રમાવી જોઇએ. જેટલી વાર રમત બંધ થઇને ફરી શરૂ કરવામાં આવે તેટલીવાર તમારે એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે ક્યાંક કોઇ ખેલાડી ઘાયલ ન થઇ જાય. ત્રણ મેચની વન ડે સિરીઝની આ પહેલી મેચ હતી કે જે માત્ર 13 ઓવર રમાઇને પછી રદ થઇ હતી. મેચમાં ત્રણવાર વરસાદે ખલેલ પાડી અને તેના કારણે મેચ વારંવાર અટકાવીને ફરી શરૂ કરવામાં આવી હતી.
મેચ જ્યારે રદ કરવામાં આવી ત્યારે વેસ્ટઇન્ડિઝે 1 વિકેટે 54 રન કર્યા હતા. ક્રિસ ગેલ માત્ર 4 રન કરીને આઉટ થયો હતો. મેચ મોડી શરૂ થવાના કારણે પહેલા 47 ઓવરની કરવામાં આવી હતી, તે પછી 40 ઓવરની થઇ અને અંતે તે 34 ઓવરની કરવામાં આવી હતી, જો કે છેલ્લી વાર વરસાદ પડ્યો તે પછી રમત શરૂ થવાની કોઇ સંભાવના ન રહેતા તેને રદ કરવામાં આવી હતી.