ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચની પસંદગીમાં હવે થોડા દિવસોનો વિલંબ થઇ શકે છે, કારણકે ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર કમિટી (સીએસી) કોચ પદ માટેના ઇન્ટરવ્યુ 15 ઓગસ્ટ પછી જ લેશે, પહેલા જે અહેવાલ હતા તે અનુસાર કોચ પદ માટેના ઇન્ટરવ્યુ 13થી 14 ઓગસ્ટે થવાની સંભાવના હતી. આ બાબતે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયામાં માત્ર એક દિવસનો સમય લાગવાનો છે, કારણકે તેના માટે માત્ર 6 ઉમેદવારોને અલગ તારવી લેવાયા છે.
તેમણે કહ્યું હતું કે આ બેઠક શરૂઆતમાં જ થવાની હતી, 13 અથવા 14 ઓગસ્ટે એ થવાની હતી. જો કે ઉમેદવારોને અલગ તારવી લેવાયા પછી 6 લોકોને જ ઇન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ તમામના ઇન્ટરવ્યુ માટે માત્ર એક દિવસ જ પુરતો થઇ જશે. સૂત્રએ માહિતી આપી હતી કે કેટલીક દસ્તાવેજી પ્રક્રિયા જ બાકી છે અને સીએસી જ્યારે પુરી પ્રક્રિયા શરૂ કરશે તેમાં પહેલા તમામ પ્રકારની પ્રક્રિયા પુરી કરવાની જરૂર છે. મને નથી લાગતું કે એ 15 ઓગસ્ટ પહેલા થઇ શકશે.
જ્યારે પુછવામાં આવ્યું કે વિરાટ કોહલી સાથે કોચ પસંદ કરવા બાબતે વાતચીત કરવામાં આવશે, ત્યારે સૂત્રએ માહિતી આપી હતી કે જે પ્રકારને મહિલા ટીમના કોચની પસંદગી કરવાની પ્રક્રિયામાં કેપ્ટનની ભૂમિકા નહોતી એ રીતે જ આમા પણ કેપ્ટનની આ પ્રક્રિયામાં કોઇ ભૂમિકા રહેશે નહીં.