અમેરિકાની દિગ્ગજ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સે અહીં રોજર્સ કપની મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. સેરેનાએ પ્રભાવશાળી પ્રદર્શન કરીને જાપાનની નાઓમી ઓસાકાને સીધા સેટમાં 6-3, 6-4થી હરાવી હતી. સમગ્ર મેચમાં સેરેનાનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું હતું અને ઓસાકા એકપણ વાર તેની સર્વિસ બ્રેક કરી શકી નહોતી.
આ પરાજય છતાં ઓસકા ડબલ્યુટીએ રેન્કિંગમાં પહેલા સ્થાને જળવાઇ રહેશે, બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ દરમિયાન જોરદાર પવન ફુંકાતો રહ્યો હતો. જો કે તે છતાં વિલિયમ્સે પોતાની રમતનું લેવલ નીચે ઉતરવા દીધું નહોતું. પહેલા સેટમાં સરળ વિજય મેળવ્યા પછી બીજા સેટમાં પણ વિલિયમ્સને શ્રેષ્ઠતમ શરૂઆત કરીને 2-1ની સરસાઇ મેળવી લીધી હતી. તે પછી તેણે પાછળ વળીને જોયુ નહોતું. ઓસાકા સામે સેરેનાની આ પહેલી જીત રહી હતી. બંને ખેલાડીઓ વચ્ચે એત્યાર સુધી ત્રણ મેચ રમાઇ છે.
તેણે કહ્યું હતું કે અમે ન્યુયોર્ક પછી રમ્યા નથી. છેલ્લી મેચમાં ઓસાકાનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું, હું આ વખતે માત્ર મેચ રમીને જીતવા માગતી હતી, કારણકે તે મને બે વાર હરાવી ચુકી હતી તેથી હું આજે મારું સર્વશ્રેષ્ઠ આપવા માગતી હતી. સેમી ફાઇનલમાં સેરેનાનો સામનો ચેક પ્રજાસત્તાકની મેરી બોઉઝકોવા સાથે થશે.