વેસ્ટઇન્ડિઝનો ઓપનર અને યુનિવર્સલ બોસના નામે જાણીતા વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આજે અહીં ભારત સામેની બીજી વન-ડે રમવા માટે મેદાનમાં ઉતર્યો તેની સાથે જ તે કુલ મળીને 300 વન-ડે રમનારો વેસ્ટઇન્ડિઝનો પહેલો ક્રિકેટર બન્યો હતો. ક્રિસ ગેલે વેસ્ટઇન્ડિઝ વતી આજની સાથે 296 વન-ડે રમી છે અને આઇસીસી ઇલેવન વતી તેણે ચાર વન-ડે રમી છે આમ તેની કુલ વન-ડેનો આંક 300 પર પહોંચી ગયો છે.
વેસ્ટઇન્ડિઝ વતી સર્વાધિક વન-ડે રમવાનો રેકોર્ડ બ્રાયન લારા પાસે હતો, જેણે વેસ્ટઇન્ડિઝ વતી કુલ 295 વન-ડે રમી છે. હવે ક્રિસ ગેલ તેના કરતાં આગળ નીકળી ગયો છે અને તેના નામે વેસ્ટઇન્ડિઝ વતી 296 વન-ડે રમવાનો રેકોર્ડ થયો છે. કુલ મળીને 300 વન-ડે રમનારો ક્રિસ ગેલ વિશ્વનો 21મો ક્રિકેટર બન્યો છે. ગેલે વેસ્ટઇન્ડિઝ વતી 296 મેચમાં 10,342 રન કર્યા છે. જ્યારે બ્રાયન લારાએ 295 મેચમાં 10,348 રન કર્યા છે.