અહીં રમાયેલી રોજર્સ કપ ટેનિસ ટુર્નામેન્ટમાં રફેલ નડાલ પુરૂષ વિભાગમાં જ્યારે બિયાન્કા એન્ડ્રેસ્ક્યૂ મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન બન્યા હતા. નડાલે ફાઇનલમાં રશિયાના ડેનિયલ મેદવેદેવને હરાવ્યો હતો. જ્યારે મહિલા સિંગલ્સની ફાઇનલમાંથી ઇજાને કારણે સેરેના હટી જતાં બિયાન્કા ચેમ્પિયન બની હતી. 1969 પછી રોજર્સ કપમાં ચેમ્પિયન બનનારી બિયાન્કા પહેલી કેનેડિયન ખેલાડી બની હતી.
નડાલે ફાઇનલમાં મેદવેદેવને સીધા સેટમાં 6-3, 6-0થી હરાવ્યો હતો. 70 મિનીટ સુધી ચાલેલી મેચમાં જીત મેળવીને નડાલે પાંચમીવાર આ ટાઇટલ જીત્યું હતું. મહિલા સિંગલ્સની ફાઇનલમાં બિયાન્કા સેરેના સામે 3-1થી આગળ હતી ત્યારે સેરેનાએ પીઠના દુખાવા સામે હારી ગઇ હતી અને તેણે આંખમાં અશ્રુ સાથે મેચમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો. સેરેના 2017 પછી એક પણ ટાઇટલ જીતી ન હોવાથી અહીં તેની પાસે એક ટાઇટલ જીતવાની તક હતી પણ પીઠના દુખાવાને કારણે તેણે રિટાયર થવું પડ્યું હતું અને તે પોતાની ખુરશી પર બેસીને રડી પડી હતી.