મુંબઇ-હાવડા રૂટ પર આવેલા છત્તીસગઢના ઝાંજગીર ચમ્પા જિલ્લાના રેલવે ટ્રેક પરથી એક આફ્રિકન ફૂટબોલર મૃત હાલતમાં મળી આવ્યો હોવાનું પોલીસે આજે જણાવ્યું હતું. ચમ્પા વિસ્તારના સબ ડિવિઝનલ પોલીસ અઘિકારી ઉદયન બહેરે જણાવ્યું હતું કે મરનાર પશ્ચિમ આફ્રિકન દેશ આઇવરી કોસ્ટનો ડિયોમેન્ડે અબોબુક્ર છે. તેનો મૃતદેહ 9મી ઓગસ્ટે અહીંથી 200 કિમી દૂર બરાદ્વાર રેલવે સ્ચેશન નજીકના ટ્રેક પરથી મળી આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે તેના ખિસ્સામાંથી મળેલા સેલ ફોનને કારણે તેની ઓળખ કરવામાં મદદ મળી હતી. તેના ફોનમાંથી તેને લગતા દસ્તાવેજોના ફોટા મળી આવ્યા હતા. વધુ તપાસમાં તેને ભારતમાં ફૂટબોલ રમવા માટે જુલાઇમા વિઝા અપાયા હતા. એવી સંભાવના છે કે તે 8મી ઓગસ્ટે મુંબઇ ઉતર્યો હોવો જોઇએ અને પોતાના સાથીઓ સાથે કોલકાતામાં જોડાવા માટે ટ્રેનમાં બેઠો હોવો જોઇએ.