કોમનવેલ્થ ગેમ્સમાં 1998 પછી હવે 2022માં બર્મિંઘમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની વાપસી થઇ રહી છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીએફ) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના જણાવ્યા અનુસાર આ ગેમ્સમાં મહિલા ટી-20 ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે.
આ પહેલા કોમનવેલ્થ ગેમ્સમાં માત્ર એકવાર 1998ની કુઆલાલમ્પુર ગેમ્સમાં ક્રિકેટની ભાગીદારી નોંધાઇ હતી. તે સમયે પુરૂષ ટીમોએ વન-ડે મેચોમાં ભાગ લીધો હતો અને દક્ષિણ આફ્રિકો ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન 27 જુલાઇથી 7 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે અને તેની ક્રિકેટ સ્પર્ધામાં 8 ઇન્ટરનેશનલ ટીમો ભાગ લેશે. સીજીએફના અધ્યક્ષ ડેમ લુઇસ માર્ટીને મંગળવારે જણાવ્યું હતું કે આજે ઐતિહાસિક દિવસ છે અને અમે ક્રિકેટની કોમનવેલ્થ ગેમ્સમાં વાપસીનું સ્વાગત કરીએ છીએ.
આઇસીસીના સીઇઓ મનુ સાહનીએ કહ્યું હતું કે મહિલા ક્રિકેટ અને વૈશ્વિક ક્રિકેટ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ ટુર્નામેન્ટની 8 મેચ એજબેસ્ટનના મેદાન પર રમાશે. ઇસીબીએ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને બર્મિંઘમ ગેમ્સમાં મહિલા ક્રિકેટની તરફેણમાં મતદાન કર્યું તેનાથી અમે સન્માનિત થયેલા અનુભવી રહ્યા છીએ. ઇસીબીના સીઇઓ ટોમ હેરિસને કહ્યું હતું કે અમને ખુશી છે કે મહિલા ટી-20 બર્મિંઘમ 2022માં ભાગ બનશે.