વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન હસન તેમને રાખડી બાંધવા માટે દિલ્હી પહોંચી ગઈ છે. તેઓ વડાપ્રધાનને 38 વર્ષોથી રાખડી બાંધે છે. વડાપ્રધાન મોદી જ્યારે સંઘનાં કાર્યકર્તા હતાં ત્યારથી તેઓ કમર પાસે રાખડી બંધાવે છે. કમર મોહસીનનો પરિવાર પાકિસ્તાનનાં કરાચી શહેરમાંથી ગુજરાતનાં અમદાવાદ ખાતે આવીને વસી ગયું હતું. હાલ કમર મોહસીન અમદાવાદમાં રહે છે. કમર દર વર્ષે વડાપ્રધાનને રાખડી બાંધવા તેઓનાં નિવાસસ્થાને પહોંચી જાય છે. છેલ્લા 38 વર્ષથી આ સિલસિલો યથાવત છે. મોહસીન પૂરેપૂરા રિતીરિવાજ સાથે મોદીને રાખડી બાંધે છે સામે મોદી પણ પોતાની આ બહેન પ્રત્યે ખૂબજ સ્નેહ રાખે છે. આ વખતે રક્ષાબંધન અને 15 ઓગસ્ટ સાથે હોવાથી વડાપ્રધાન સવારે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે. આ કાર્યક્રમ પૂરો થયા બાદ લોક કલ્યાણ માર્ગ પર આવેલ તેઓનાં નિવાસ સ્થાન પર રક્ષાબંધન માટે તમામ બહેનો પહોંચશે જેમાં કમર મોહસીન પણ હશે.
