રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેઓ અટલજીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા સદૈવ અટલ સ્મારક પર પહોંચ્યા હતા. આજે અટલજીની પ્રથમ પુણ્યતીથિ છે. જેથી પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે પણ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ સદૈવ અટલ સ્મારક પહોંચ્યા હતા. ત્રણ વખત ભારતના વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વાજપેયી પહેલા બિનકોંગ્રેસી પ્રધાનમંત્રી હતા કે જેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. 1951માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ હતી. અટલજી તેના સંસ્થાપક સભ્ય હતા.
પોતાની કુશળ વકૃત્વ શૈલીને કારણે રાજકારણના શરૂઆતના ગાળામાં તેમણે પોતાનું કરિશ્માઈ વ્યક્તિત્વ જનતામાં સ્થાપિત કર્યું હતું. લખનૌ લોકસભાની પેટાચૂંટણીમાં હાર્યા બાદ 1957માં તેઓ ત્રણ બેઠક પરથી ચૂંટણી લડયા અને બલરામપુરથી લોકસભામાં ચૂંટાયા હતા. અહીંથી આગામી પાંચ દશક માટે વાજપેયીની સંસદીય કારકિર્દીની શરૂઆત થઈ હતી.