Private school admission issue Gujarat : એડમિશન લેવાના બદલે LC આપી દીધી!? અમદાવાદની સ્કૂલમાં વાલીઓનો હોબાળો!
Private school admission issue Gujarat : આજના સમયમાં શિક્ષણ માત્ર શૈક્ષણિક જરૂરિયાત નહીં રહી પરંતુ વાલીઓ માટે મોટો ખર્ચ અને ચિંતાનું કારણ બની ગયું છે. ખાસ કરીને ખાનગી શાળાઓમાં ફી અને પ્રવેશ સંબંધિત મુદ્દાઓએ સતત વિવાદ ઊભા કર્યા છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી જાણીતી રાજસ્થાન સ્કૂલ ફરી એકવાર વિવાદનું કેન્દ્રબિંદુ બની છે.
વિદ્યાર્થીને પ્રવેશ આપવાના બદલે LC: વાલીઓ ચોંકી ગયા
પ્રાપ્ત માહિતી મુજબ, ધોરણ 8 પૂરો કરી ચૂકેલા લગભગ 250 વિદ્યાર્થીઓને શાળાએ ધોરણ 9માં પ્રવેશ આપવાના બદલે લિવિંગ સર્ટિફિકેટ (LC) આપી દીધું. પરિણામ લેવા માટે શાળાએ આવેલ વાલીઓ અને વિદ્યાર્થીઓ આ નિર્ણયથી આશ્ચર્યચકિત બની ગયા. વિદ્યાર્થીઓના પ્રવેશ અચાનક રોકાતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો અને સ્કૂલ બહાર હંગામો થયો.
સ્કૂલના દરવાજા બંધ, વાલીઓને મળવા પણ મનાઈ
જ્યારે વાલીઓ શાળા સંચાલકો સાથે વાત કરવા માંગતા હતા, ત્યારે સ્કૂલ તંત્રે તેમને અંદર જવાની મનાઈ કરી દીધી. શાળાની બેસવા જગ્યા કે ફેકલ્ટીની અછતને કારણ આપીને સ્કૂલે વર્ગો બંધ કરવાની જાહેરાત કરી હતી. વાલીઓના મતે, આ નિર્ણય અચાનક અને બાળકના ભવિષ્ય સાથે રમત સમાન છે.
વાલીઓની ફરિયાદ, શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત
વાલીઓએ જણાવ્યું કે, “અમારા બાળકો વર્ષોથી આ સ્કૂલમાં ભણી રહ્યા છે. હવે અચાનક LC આપી દેવામાં આવ્યું છે તો તેઓ ક્યાં જશે?” વાલીઓએ આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે અને માંગ કરી છે કે બાળકોના શિક્ષણના હકને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલા લેવાં જોઈએ.