આઈ.એ.એસ ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હીની માલવીયા પોલીસે દહિયાને નોટીસ મોકલીને 21 ઓગષ્ટના રોજ હાજર રહેવા આદેશ આપ્યો છે. પિડીતાએ માલવીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દહિયાને હાજર થવા માટેની નોટીસ ફટકારી છે.
ગૌરવ દહિયા પોલીસને નિવેદન અને તપાસમાં સહકાર ન આપતા તથા પિડીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા અંતે દહિયાને નોટીસ પાઠવીને 21 ઓગષ્ટના રોજ હાજર રહેવા આદેશ કરાયો છે. મહિલા સાથે કથિત પ્રેમ પ્રકરણને લઈને વિવાદમાં આવેલા આઈ.એ.એસ.દહિયાને તપાસ સમિતીએ સરકારને સોંપેલા અહેવાલ અને યુપીએસસીની મંજુરી લીધા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જોકે દહિયા સામે નાણાંકીય ગેરશિસ્ત હેઠળના પગલા પણ લેવાશે. આમ સસ્પેન્શન બાદ પણ દહિયાના માથેથી સંકટના વાદળો દુર થયા નથી. કારણકે સામાન્ય વહીવટ વિભાગે સમિતીની ભલામણોને આધારે રજુ કરેલા રિપોર્ટને આધારે ગૌરવ દહિયાને નોકરીમાંથી બરતરફ કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરાય તેવી શક્યતા છે.
જોકે હજી અન્ય પુરાવાઓના ચકાસણી અને પોલીસ તપાસની પ્રક્રિયા પુર્ણ થયા પછી આ આખરી નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત નાણાંકીય ગેરશિસ્ત હેઠળના પગલા લેવા માટે પણ સામાન્ય વહીવટ વિભાગે પ્રક્રિયા હાથ ધરશે.
બીજીતરફ પોલીસ સમક્ષ હાજર થવામાં ઠાગાઠૈયા કરતા આઈ.એ.એસ.ગૌરવ દહિયા એક તપાસમાંથી બહાર આવે તે પહેલા જ મહિલા આયોગે તેમનું નિવેદન લેવાનું નક્કી કર્યું છે. ગુજરાત મહિલા આયોગે પણ દહિયાને હાજર થવા માટે તાકીદ કરી છે.
મહિલા આયોગ પણ દહિયાનું નિવેદન લેશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. તે સિવાય દહિયા સામે આક્ષેપ કરનાર મહિલાનું નિવેદન લેવાનું પણ મહિલા આયોગે નક્કી કર્યું છે. આથી મહિલાનું નિવેદન લેવા માટે પણ મહિલા આયોગની ટીમ દિલ્હી જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
ગાંધીનગર પોલીસે પણ ગૌરવ દહિયાને ત્રણ નોટીસ મોકલીને નિવેદન નોંધાવવા જણાવ્યું હતું. પરંતુ દહિયા હાજર ન થતા પોલીસે ચોથી નોટીસ મોકલી હતી. તે સિવાય પોલીસે દહિયા જો હાજર નહી થાય તો પોલીસ મહિલાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરશે, એમ કહ્યું હતું.
અગાઉ સરકારે રચેલી તપાસ કમિટી સમક્ષ ગૌરવ દહિયા હાજર થયા હતા. જ્યાં દહીયાની છથી સાત કલાક મેરેથોન પુછપરછ કરવામાં આવી હતી. તે સિવાય પોલીસે દિલ્હી જઈને મહિલાનું નિવેદન પણ નોંધ્યું હતું.