બાંગ્લાદેશી રાજધાની ઢાકામાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળવાના કારણે હજારો ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા હતા અને આશરે 50,000 જેટલા લોકો બેઘર બન્યા હતા. મીરાપુરની પાસે આવેલી ચાલાનટિકા વસ્તીમાં શુક્રવારે મોડી રાતે આગ લાગવાના કારણે આશરે 2,000 ઝૂંપડા નાશ પામ્યા હતા અને અફડા-તફડી મચી ગઈ હતી. તે વિસ્તારમાં ચાની રેંકડી ધરાવતા 58 વર્ષીય અબ્દુલ હમીદે પોતાનું સર્વસ્વ ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો અને પોતાના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
અગ્નિશામક દળના અધિકારીએ આગ પર કાબૂ મેળવી લેવાયાની અને કોઈ પણ જાનહાનિ ન નોંધાઈ હોવાની જાણ કરી હતી. જો કે, દુર્ઘટના વખતે થયેલી નાસભાગના કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચી છે.
તે વિસ્તારમાં રહેતા મોટા ભાગના લોકો કપડાંની ફેક્ટરીઓમાં કામ કરે છે અને સામાન્ય આવક વડે પોતાનું ગુજરાન ચલાવે છે. સદનસીબે બકરી ઈદના તહેવારને લઈ મોટા ભાગના લોકો પોતાના ઘરે ગયા હતા જેથી ઝૂંપડાઓ ખાલી હતા અને મોટી જાનહાનિ ટળી હતી. દુર્ઘટના બાદ હજારો લોકોએ નજીકમાં આવેલી એક શાળાના પરિસરમાં આશરો લીધો હતો.
મ્યુનિસિપાલિટીના અધિકારીએ તેઓ પીડિતોને ખોરાક, પાણી, મોબાઈલ ટોઈલેટ અને વીજ પુરવઠા સહિતની સગવડ આપી રહ્યા હોવાની અને તેમના માટે કાયમી રહેઠાણ શોધી રહ્યા હોવાની ખાતરી આપી હતી. અનેક લોકોએ વરસાદથી બચવા પોતાના ઘર પર તાડપત્રી ઢાંકેલી હતી જેથી હાલ તે વિસ્તારમાં કાદવ છવાઈ ગયો છે.
નિષ્ણાંતોના મતે સુરક્ષાના માપદંડોનું પાલન ન થતું હોવાના કારણે ઢાકામાં અનેક વખત આગ હોનારતો નોંધાય છે. ચાલુ વર્ષે આગ લાગવાના કારણે 100 જેટલા લોકોના મોત નોંધાયા છે. 2012માં નવ માળની કપડાની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે 111 કામદારોના મોત થયા હતા જ્યારે 2010માં નિમતોલીમાં આગ હોનારતે 123નો ભોગ લીધો હતો.