વિશ્વ આર્થિક મંચના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે મોટા ભાગના લોકો હવે રોજગારી માટે મુંબઇ કે મહારાષ્ટ્રના અન્ય શહેરોને બદલે સુરત શહેર પર પસંદગી ઉતારી રહ્યા છે.અહેવાલ અનુસાર ભારતમાં સૌથી વધુ 28.87 લાખ લોકો સુરતમાં રોજગારી માટે આવી રહ્યા છે.આનું કારણ એવું છે કે મુંબઇની ભીડભાડ વાળી જિંદગી, મોંઘવારી,સુરતમાં પાલિકાએ તૈયાર કરેલા વિકાસના કામોને કારણે લોકો હવે સુરત તરફ વળી રહ્યા છે.રોજગારી માટે સુરત આવી રહેલા લોકોનું માનવું છે કે સુરત મુંબઇના વિકલ્પ તરીકે તૈયાર થઇ રહ્યું છે અને અહીં જીવન ધોરણ સુધરી શકે તેમ છે.
વિશ્વ આર્થિક મંચના અહેવાલમાં આપેલા આંકડા મુજબ સુરતમાં 7.58 લાખ લોકો કામની શોધમાં,1 લાખ લોકો ધંધા માટે,12189 શિક્ષણ માટે, 3 લાખ લગ્ન કરીને સુરતમાં વસ્યા છે અને 8.8 લાખ લોકો સહપરિવાર પોતાનું વતન છોડીને સુરત સ્થાયી થયા છે.
જે લોકો શિક્ષણ, સ્વાસ્થય,રિઅલ એસ્ટેટ, ઇન્વેસ્ટમેન્ટ વગેરે ક્ષેત્રના કામ માટે મહારાષ્ટ્રના શહેરો તરફ જતા હતા તેમને હવે સુરત બધી રીતે યોગ્ય લાગી રહ્યું છે એટલે આવા લોકોના પગલાં સુરત તરફ વળી રહ્યા છે.