Operation Sindoor: ભારત-પાકિસ્તાન તણાવ પર યુએન પ્રમુખની કડક પ્રતિક્રિયા
Operation Sindoor: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી દુશ્મનાવટ પર ચિંતા વ્યક્ત કરતા, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના પ્રમુખ ફિલેમોન યાંગે બંને દેશોને સંયમ રાખવા અને તણાવ ઓછો કરવા માટે પગલાં લેવા વિનંતી કરી. તેમણે કાયમી શાંતિ માટે યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સંવાદ અને રાજદ્વારી ઉકેલોની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આ અપીલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને પંજાબ પ્રાંતમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ પછી, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LoC) નજીકના ભારતીય ગામડાઓ પર તોપમારો અને મોર્ટારનો મારો તીવ્ર બનાવ્યો, જે તાજેતરના વર્ષોમાં સૌથી ભારે ગોળીબારમાંનો એક હતો.
“ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી દુશ્મનાવટથી હું ખૂબ ચિંતિત છું,” યાંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું. હું બંને પક્ષોને વધુ સંયમ રાખવા અને તાત્કાલિક તણાવ ઓછો કરવા અપીલ કરું છું. તેમણે આતંકવાદ અને નાગરિકો પરના હુમલાઓની પણ નિંદા કરી અને કહ્યું કે કાયમી શાંતિ માટે યુએન ચાર્ટરનું અક્ષરશઃ પાલન કરવું જોઈએ.