22મી જુલાઈએ રવાના થયેલા ચંદ્રયાન-2એ 80 ટકા કરતા વધુ સફર પૂરી કરીને ચંદ્રની કક્ષામાં પહોંચવામાં સફળતા મેળવી છે. આજે ઈસરોએ ચંદ્રયાન-2ના માર્ગમાં ફેરફાર કરીને તેને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરાવ્યો હતો.
પૃથ્વી પરથી રવાના થયા પછી ચંદ્ર સુધીનો માર્ગ ચંદ્રયાન માટે પ્રમાણમાં આસાન હતો. પરંતુ ચંંંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરવાનું કામ અઘરૂં હતું. ઈસરોએ આજે એ કામ સફળતાપૂર્વક કરી દેખાડયું હતું. એ અંગે વિગતો આપતા ઈસરોના ચેરમેન કે.સિવાને કહ્યું હતું કે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરવાની અડધી કલાક અમારા સૌના ધબકારા રોકાઈ ગયા હતા.
પરગ્રહની સફરે જતાં સ્પેસક્રાફ્ટને જે-તે ગ્રહની કક્ષામાં પ્રવેશ કરાવવો એ કપરૂં કામ છે. અચાનક બ્રેક માર્યા પછી વાહન થોડું આગળ ચાલે કેમ કે ગતી પર તુરંત કાબુ મેળવી શકાતો નથી. એ રીતે બીજા ગ્રહની કક્ષામાં પ્રવેશ કરતી વખતે એ ગ્રહ-ઉપગ્રહના પ્રચંડ ગુરૂત્વાકર્ષણનો સામનો કરવો પડે છે. આ ગુરૂત્વાકર્ષણ ચંદ્રયાન-2 (કે બીજા કોઈ પણ સ્પેસક્રાફ્ટ)ને પોતાની તરફ ખેંચે છે.
એ વખતે જો યાન કાબુમાં ન રહે તો એ સપાટી પર અથડાઈ પડે અને નકામું ઠરે. હજુ એપ્રિલ મહિનામાં જ ઈઝરાયેલનું ચંદ્ર મિશન ‘બેરેશીટ’ ઉતરાણ વખતે જ ચંદ્ર પર તૂટી પડતાં સમગ્ર મિશન નિષ્ફળ ગયું હતું. માટે આ તબક્કો ઈસરો માટે અઘરો હતો.
યાનની સ્પીડમાં ઘટાડો
ઈસરોના ચેરમેને માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સવારે 9-02 કલાકે અમે ચંદ્રની કક્ષામાં પ્રવેશ માટે ચંદ્રયાન-2નું મેનુવરિંગ (દિશા-માર્ગ બદલવાની કામગીરી) શરૂ કર્યું હતુ. મેનુવરિંગ માટે ચંદ્રયાન-2 સાથે રાખેલા મિનિ રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા. આ રોકેટ 1738 સેકન્ડ (29 મિનિટ) સુધી ચાલુ રહ્યા હતા. એ દરમિયાન ચંદ્રયાન ચંદ્રની સપાટી કરતાં વધારે પડતું ઊંચુ ન રહી જાય અને ગુરૂત્વાકર્ષણથી ખેંચાઈ જાય એટલું નીચે પણ ન ઉતરી જાય એ પ્રમાણે ગોઠવી દેવાયું હતું.
આ કામગીરી દરમિયાન ચંદ્રયાનની ઝડપ સેકન્ડના 2.4 કિલોમીટરથી ઘટાડીને 2.1 કિલોમીટર કરી દીધી હતી. અત્યારે યાન ચંદ્રની સપાટીથી મહત્તમ 18000 કિલોમીટર દૂર અને લધુતમ 144 કિલોમીટરના અંતરે લંબગોળ કક્ષામાં ભ્રમણ કરે છે. હજુ ચાર વખત મેનુવરિંગ કરીને યાનને ચંદ્રની સપાટીથી 100 કિલોમીટરની સ્થિર કક્ષામાં ગોઠવી દેવાશે. એ પછી ચંદ્રયાને 100 કિલોમીટર ઊંચે રહીને જ ભ્રમણ કરવાનું છે.
ગુરૂત્વાકર્ષણ સામે સંઘર્ષ
હવે યાન થોડા દિવસ સુધી ચંદ્રની કક્ષામાં પરિભ્રમણ કરશે, જે રીતે પૃથ્વી ફરતે ઉપગ્રહો પરિક્રમા કરતા હોય એ રીતે. વધુ પડકારજનક તબક્કો સપ્ટેમ્બરની શરૂઆતમાં આવશે. અત્યારે નક્કી થયેલા શેડયુલ પ્રમાણે ચંદ્રયાન-2ના 3 ભાગ પૈકી લેન્ડર-રોવર 7મી સપ્ટેમ્બરે રાતના સવા કલાકે ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર સોફ્ટ લેન્ડિંગ (હળવે રહીને ઉતરશે) કરશે.
લગભગ અડધી કલાકની સફર કર્યા પછી એ ચંદ્રની સપાટીને સ્પર્શ કરશે. એ વખતે પણ ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ ‘વિક્રમ’ નામ ધરાવતા લેન્ડરને પોતાના તરફ ખેંચી ન લે એ જોવું સૌથી મોટી મુસીબત છે. આ ઉતરાણ અને ચંદ્રયાનના બધા ઉપકરણો પૃથ્વી પર બેઠા બેઠા કન્ટ્રોલ કરવાના હોય છે. માટેકામ વધારે મુશ્કેલ બની શકે છે. લેન્ડરની અંદર જ ‘પ્રજ્ઞાાન’ નામે રોવર ગોઠવાયેલું છે, જે લેન્ડર ઉતરી ગયા પછી તેમાંથી બહાર નીકળી ચંદ્ર પર ભ્રમણ કરશે.
ભારત પ્રથમ દેશ બનશે
આ સફળતા મળશે ત્યારે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારો ભારત રશિયા, અમેરિકા અને ચીન પછી ચોથો દેશ બનશે. સાથે સાથે ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઉતરનારો પહેલો દેશ બનશે. ચંદ્રનો દક્ષિણ ધુ્રવ પ્રદેશ વણખેડાયેલો છે, ત્યાં સૂર્યપ્રકાશ ઓછામાં ઓછો પહોંચે છે. તાપમાન નીચું છે. માટે અત્યાર સુધી ત્યાં કોઈએ યાન ઉતારવાનો પડકાર ઝિલ્યો નથી. ઈસરોએ એ કામગીરી કરી દેખાડવા કમર કસી છે. એ હિંમત દાખવવા બદલ દુનિયાભરના અવકાશ નિષ્ણાતો ઈસરોની પીઠ થાબડી રહ્યાં છે.