જો તમે દર્દી છો અને બ્લડ પ્રેશરની દવા લો છો તો સાવધાન. કેમકે અમદાવાદમાંથી બ્લડ પ્રેશરની નકલી દવા વેચવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ કંટ્રોલ વિભાગે અમદાવાદના વિવિધ મેડિકલ સ્ટોરમાં દરોડા પાડી નકલી દવાનો જથ્થો જપ્ત કર્યો છે. તંત્રની તપાસમાં સામે આવ્યું છે કે આ દવાનો જથ્થો જયપુરમાંથી ખરીદવામાં આવ્યો હતો. જે બાદ તંત્રએ મેડિકલ સ્ટોરમાં દરોડા પાડી તેમની વિરૂદ્ધ નકલી દવા વેચાણનો ગુનો દાખલ કર્યો છે.

આજકાલ બ્લડ પ્રેશરનો રોગ સામાન્ય બની ગયો છે. આથી જો તમે પણ બ્લડ પ્રેશરના દર્દી હોવ અને તેને કંટ્રોલમાં રાખવા દવા લેતા હોવ તો થઇ જજો સાવધાન. કેમકે તમે જે દવા દરરોજ ખાઇ રહ્યા છો તે નકલી હોઇ શકે છે. રાજ્યમાં બ્લડ પ્રેશરના દર્દીઓ દ્રારા લેવામાં આવતી લોસાર એચ નામની નકલી દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. તેવી માહિતી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી. જેના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમદાવાદની વિવિધ મેડિકલ એજન્સીમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ અમદાવાદની શારદા મેડિકલ એજન્સી, આરાધ્યા મેડિકલ એજન્સી, મયુર મેડિકલ એજન્સી સહિત અન્ય એજન્સી પર દરોડા પાડીને 25 હજારની નકલી દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો.

જે નકલી લોસાર એચ દવાઓ જપ્ત કરાઇ છે તેની ગુણવત્તા ચકાસતા તેમાં દર્દીઓને સાજા કરતા ઘટકોનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. તાજેતરમાં જયપુરમાં 40 લાખથી વધુ રકમની નકલી દવાઓનો જથ્થો ઝડપાયો હતો. જેમાં સામે આવ્યું કે જયપુરમાં બનતી નકલી દવાઓ અમદાવાદની અનેક એજન્સીઓ દ્વારા વેચાઇ રહી છે. હાલ તો આ મેડિકલ એજન્સીના લાયસન્સ રદ કરીને માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથો સાથ આ નકલી દવાનો કાળો વેપાર કયાં સુધી ફેલાયો છે અને આ નકલી દવાના વેચાણમાં કોણ કોણ સડોવાયેલું છે. તેની તપાસ પણ થઇ રહી છે.