Metro Ticket: ઉબેર એપમાં નવી સુવિધા: દિલ્હી મેટ્રો ટિકિટિંગથી ડિજિટલ મુસાફરી સરળ બની
Metro Ticket: જો તમે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે ઉબેર એપ દ્વારા પણ મેટ્રો ટિકિટ ખરીદી શકશો. સોમવારે, ઉબેરે જાહેરાત કરી કે દિલ્હી મેટ્રોમાં એપ-આધારિત મેટ્રો ટિકિટિંગ શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે આ સુવિધા વર્ષ 2025 માં ભારતના ત્રણ વધુ શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે. હવે, ઉબેર વપરાશકર્તાઓ તેમની મેટ્રો ટ્રીપનું આયોજન કરી શકશે, QR-આધારિત ટિકિટ ખરીદી શકશે અને એપ્લિકેશનમાં રીઅલ-ટાઇમ ટ્રાન્ઝિટ માહિતી પણ મેળવી શકશે.
આ નવી સુવિધા ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) દ્વારા સંચાલિત થઈ રહી છે. ONDCના કાર્યકારી CEO વિભોર જૈને જણાવ્યું હતું કે ઉબેરનું નેટવર્કમાં જોડાવું એ ભારતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પહોંચ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. વધુમાં, ઉબેર ટૂંક સમયમાં ONDC દ્વારા B2B લોજિસ્ટિક્સ સેવા શરૂ કરશે, જેનાથી વ્યવસાયો ઉબેરના ડિલિવરી નેટવર્કનો ઉપયોગ કરીને પોતાનો કાફલો રાખ્યા વિના પણ માંગ પર લોજિસ્ટિક્સ પ્રાપ્ત કરી શકશે.
આ પહેલને ભારતમાં ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે એક મોટી પહેલ માનવામાં આવે છે. ઉબેરના સીઈઓ દારા ખોસરોવશાહીએ ગયા વર્ષે ભારતની મુલાકાત દરમિયાન ONDC સાથે એક MoU પર હસ્તાક્ષર કર્યા હતા, જેનો ઉદ્દેશ્ય ડિજિટલ જાહેર સંસાધનોની ઍક્સેસને વધુ વિસ્તૃત કરવાનો હતો. આ પગલાથી જાહેર પરિવહનને વધુ કનેક્ટેડ અને સુવિધાજનક બનાવવાની દિશામાં મોટો ફેરફાર થવાની અપેક્ષા છે.