સોનાની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી છે. 10 ગ્રામ સોનાનો ભાવ 40 હજારને પાર થયો છે. તો એક કિલોગ્રામ ચાંદી પણ 46 હજાર રૂપિયા ઉપર પહોંચી ગયો છે. મુંબઈ અને જયપુર અને સોનાના સૌથી મોટા બજાર અમદાવાદમાં 24 કેરેટ સોનાના ભાવ ત્રણ ટકા જીએસટી સાથે 40 હજાર રૂપિયા ઉપર પ્રતિ 10 ગ્રામ થયા છે. સોનાના ભાવમાં એક હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધારે તેજી નોંધાઈ. તો ચાંદીમાં પણ એક હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધારે તેજી આવી છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું કે ઉંચા ભાવ પર મોંઘી ધાતુઓની માગમાં ઘટાડો થયો છે. એટલે એ કહેવું મુશ્કે છે કે ભાવ ક્યારે ઘટશે. તેજીને કારણે ઘરેલુ માગમાં 50 ટકા ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તનાવ વધુ ઘેરો બનતાં વિદેશી બજારમાં સોના અને ચાંદીમાં તેજીને કારણે ઘરેલુ બજારમાં પણ આ મોંઘી ધાતુઓની કિંમતોમાં વધુ ઉછાળો આવ્યો છે.

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની અસર સોનાના બજાર પર પણ જોવા મળી રહી છે. સોનાના ભાવ ચાલીસ હજારની સર્વોચ્ચ સપાટીએ પહોંચી જતા મુંબઇ, અમદાવાદ અને સુરતના જ્વેલર્સની ચિંતામાં વધારો થયો છે. સોનાની ખરીદી કરતા ગ્રાહકો ખરીદીમાં કાપ મૂકી રહ્યા હોવાથી બજારમાં ઘરાકીનો માહોલ મંદ જોવા મળી રહ્યો છે.

આગામી દિવસોમાં પુષ્ય નક્ષત્ર અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે સોનાના ભાવમાં થયેલો વધારો ઘરાકી પર અસર કરી શકે છે. તહેવારોમાં લોકો સોનાની શુકનવંતી ખરીદી તો કરતા હોય છે. પરંતુ સોનું સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ગ્રાહકો ખરીદી ઓછી કરે તેવી ચિંતા વેપારીઓને સતાવી રહી છે.