IndiGo: ઇન્ડિગોનો રેકોર્ડ નફો: ચોથા ક્વાર્ટરમાં 62%નો ઉછાળો, ₹3,068 કરોડનો ચોખ્ખો નફો
IndiGo : દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનએ નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ 2025) માં ₹3,068 કરોડનો રેકોર્ડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે 62 ટકાનો વધારો દર્શાવે છે. એક વર્ષ પહેલાના સમાન સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો ₹1,894.8 કરોડ હતો.
બુધવારે કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ નફો ઇન્ડિગોના કોઈપણ ચોથા ક્વાર્ટરમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. આ કામગીરી બાદ કંપનીના ડિરેક્ટર બોર્ડે પ્રતિ ઇક્વિટી શેર ₹10 (100%) ના ડિવિડન્ડની ભલામણ કરી છે, જે શેરધારકો માટે સકારાત્મક સંકેત છે.
મુસાફરોની સંખ્યા અને આવકમાં વધારો
કંપનીના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોએ ક્વાર્ટર દરમિયાન 31.9 મિલિયન મુસાફરોનું પરિવહન કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 19.6% ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની કુલ કાર્યકારી આવક ₹22,152 કરોડ રહી, જે વાર્ષિક ધોરણે 24% ની વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આવક ₹17,825 કરોડ હતી.
મજબૂત મુસાફરોની માંગ અને અસરકારક વ્યૂહરચનાઓને કારણે ઇન્ડિગોએ આખા નાણાકીય વર્ષ માટે ₹7,258.4 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. વિદેશી વિનિમય દરોની અસરને બાદ કરતાં, નફો વધીને ₹8,867.6 કરોડ થાય છે.
ટિકિટ અને અન્ય આવકમાં વધારો
માર્ચ ક્વાર્ટરમાં ઇન્ડિગોની પેસેન્જર ટિકિટ આવક 25.4% વધીને ₹19,567.3 કરોડ થઈ, જ્યારે અન્ય આવક પણ 25.2% વધીને ₹2,152.5 કરોડ થઈ. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024-25માં, એરલાઇને કુલ 11.8 કરોડ મુસાફરોને સેવા આપી હતી, જે આજ સુધીનો રેકોર્ડ છે.
આલ્બર્સે એમ પણ કહ્યું કે કંપની હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તેના લાંબા અંતરના નેટવર્કને મજબૂત બનાવી રહી છે. વધુમાં, પર્યાવરણીય ટકાઉપણું પર ભાર મૂકીને, ઇન્ડિગોએ તાજેતરમાં ઇંધણ-કાર્યક્ષમ વિમાનોની ખરીદી પણ ઝડપી બનાવી છે.
જેકે ટાયરને ફટકો પડ્યો, નફો 42.5% ઘટ્યો
બીજી તરફ, જેકે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો ચોથા ક્વાર્ટરનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 42.5 ટકા ઘટીને રૂ. 98.66 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન, કંપનીએ ₹ 171.66 કરોડનો નફો કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે વધતા ખર્ચ અને વિદેશી વિનિમય દરોમાં વધઘટથી નફા પર નકારાત્મક અસર પડી છે.
કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાચા માલના ભાવમાં વધારો અને સંચાલન ખર્ચના કારણે માર્જિન પર અસર પડી છે. જોકે, મેનેજમેન્ટને આશા છે કે સ્થાનિક માંગ અને નિકાસ ઓર્ડરમાં સુધારાને કારણે આગામી મહિનાઓમાં પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે.