અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોરનો માહોલ પ્રબળ બનતા વૈશ્વિક બજારમાં ડોલર મજબૂત બનતા ભારતીય બજારો પર તેની સીધી અસર જોવાઈ હતી.ડોલરની મજબૂતાઈના પગલે આયાત પડતર ઉંચકાતા અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનું ઉછળીને રૂા. 40,000 પહોંચી ગયું હતું. જ્યારે ચાંદી ઉછળીને રૂા. 45700ની ટોચે પહોંચી હતી. બીજી તરફ ડોલરની મજબૂતાઈના પગલે ભારતીય રૂપિયો તૂટીને 72ની મનોવૈજ્ઞાાનિક સપાટી ગુમાવી દીધી હતી. જ્યારે ગત સપ્તાહની નાણામંત્રીએ એફપીઆઈ પર લાદેલા સરચાર્જ પાછો ખેંચી લેવા સહિતના અન્ય પગલાની જાહેરાત કરાતા શેરબજારમાં ચોમેરથી નીકળેલ નવી લેવાલીએ સેન્સેક્સમાં 793 અને નિફ્ટીમાં 228 પોઈન્ટનો પ્રચંડ ઉછાળો નોંધાયો હતો.
વિવિધ અહેવાલો પાછળ વૈશ્વિક કરન્સી બાસ્કેટમાં આજે ડોલર ફરી એકવાર ઉછળીને આવતા વૈશ્વિક બજારમાં સોનું વધીને 1529 ડોલરની છ વર્ષની ટોચે પહોંચી ગયું હતું.જ્યારે ચાંદી વધીને 17.80 ડોલર પહોંચી હતી. વૈશ્વિક બજારમાં ડોલર ઊંચકાતા સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચકાતા તેના ભાવ પણ ઉંચકાયા હતા. આ અહેવાલો પાછળ અમદાવાદ સોના-ચાંદી બજાર ખાતે આજે સોનું (99.9) રૂા. 1000 ઉછળીને રૂા. 40,000ની વિક્રમી ટોચે પહોંચ્યું હતું. જ્યારે સોનું (99.5) ઉછળીને રૂા. 39850 મુકાતું હતું. અમદાવાદ ચાંદી પણ રૂા. 1200 ઊછળીને રૂા. 45700ની ટોચે પહોંચી હતી. વૈશ્વિક બજારમાં ડોલર ઉંચકાતા ભારતીય રૂપિયા પર તેની પ્રતિકૂળ અસર જોવાઈ હતી. નાણામંત્રીએ અર્થતંત્રને વેગ આપતા પગલા ભરવા છતાં વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહેતા રૂપિયા પર પ્રતિકૂળ અસર જોવાઈ હતી.
આમ, ડોલરમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ રૂપિયો ઝડપથી તુટીને 72ની મહત્વની મનોવૈજ્ઞાાનિક સપાટી ગુમાવીને 72.02ના મથાળે ઉતરી આવ્યો હતો. ડોલર સામે રૂપિયો 36 પૈસા તુટયો હતો અને 14 નવેમ્બર 2018ની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. જોકે, ટ્રેડવોર પ્રબળ બન્યાના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થયા બાદ અમેરિકાએ આ મુદ્દે સમજૂતી કરવાની વાત કરતા બજારમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો. ઉપરોક્ત અહેવાલો પાછળ કામકાજના મધ્યભાગ બાદ નીકળેલી નવી લેવાલીના પગલે બીએસઈ સેન્સેક્સ 792.96 પોઈન્ટ ઉછળીને 37494.12ની સપાટીએ મજબૂત રહ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી 228.50 પોઈન્ટ ઉછળીને 11057.85ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
સેન્સેક્સમાં નોંધાયેલ સંગીન સુધારાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઈ માર્કેટ કેપ.) રૂા. 2.42 લાખ કરોડનો વધારો થતા તે રૂા. 140.34 લાખ કરોડ પહોંચ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વિદેશી રોકાણકારો માટે સરકારે રાહત જાહેર કરી હોવા છતાં એફઆઈઆઈ અને એફપીઆઈએ આજે કેશ સેગમેન્ટમાં રૂા. 753 કરોડની વેચવાલી હાથ ધરી હતી.