ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ સોમવારે કહ્યું કે હાલ ચંદ્રનું ચક્કર લગાવી રહેલા ચંદ્રયાન-2એ ચંદ્રની સપાટીની કેટલીક તસવીરો લીધી છે. આ તસવીરોમાં ચંદ્ર પર અનેક મોટા-મોટા ખાડા (ક્રેટર) દેખાઈ રહ્યા છે.
ક્રેટરના આ છે નામ
ઇસરોએ તસવીરો રજૂ કરતાં એક નિવેદનમાં કહ્યું કે ચંદ્રયાન દ્વારા જે તસવીરો લેવામાં આવી છે તે ‘સોમરફેલ્ડ’, ‘કિર્કવુડ’, ‘જૈક્સન’, ‘માક’, ‘કોરોલેવ’, ‘મિત્રા’, ‘પ્લાસકેટ’, ‘રોઝદેસ્તવેંસ્કી’ અને ‘હર્માલટ’ નામના વિશાળ ખાડાઓની છે. આ વિશાળ ખાડાઓના નામ મહાજ વૈજ્ઞાનિકો, અંતરિક્ષ યાત્રીઓ અને ભૌતિક વૈજ્ઞાનિકોના નામે રાખવામાં આવ્યા છે.
ખાડાઓના નામ મહાન વૈજ્ઞાનિકોના નામે
વિશાળ ખાડા ‘મિત્રા’નું નામ ભારતીય ભૌતિક વિજ્ઞાની અને પદ્મ ભૂષણથી સન્માનિત પ્રોફેસર શિશિર કુમાર મિત્રાના નામે રાખવામાં આવ્યો છે. પ્રોફેસર મિત્રાને આયનમંડળ અને રેડિયોફિજિક્સના ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ કાર્ય માટે ઓળખવામાં આવે છે.
પહેલા પણ મોકલી હતી તસવીરો
અંતરિક્ષ એજન્સીએ કહ્યું કે ચંદ્રની સપાટીની આ તસવીરો 23 ઑગસ્ટે ચંદ્રયાન-2ના ટેરેન મેપિંગ કેમેરા-2 દ્વારા લગભગ 4375 કિમી ઊંચાઈથી લેવામાં આવી. ચંદ્રયાન-2 દ્વારા લેવામાં આવેલી પહેલી તસવીર ઇસરોએ 22 ઑગસ્ટે જાહેર કરી હતી. ચંદ્રયાન-2 ત્રણ મોડ્યૂલવાળું અંતરિક્ષ યાન છે જેમાં ઑર્બિટર, લૅન્ડર અને રોવર સામેલ છે. આ યાનને 22 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યું હતું.
મિશન પર ચંદ્રયાન-2
ઇસરોએ 21 ઑગસ્ટે ચંદ્રયાન-2ને ચંદ્રની કક્ષામાં બીજી વાર આગળ વધવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી કરી હતી. ઇસરોએ તેની સાથે જ કહ્યું હતું કે આ પ્રક્રિયા (મૈનુવર) પૂરી થયા બાદ યાનની તમામ ગતિવિધિઓ સામાન્ય છે.
યાનને ચંદ્રની કક્ષામાં આગળ વધવા માટે હજુ વધુ ત્રણ પ્રક્રિયાઓને પાર પાડવી પડશે. 2 સપ્ટેમ્બરે લૅન્ડર ઑર્બિટરથી અલગ થઈ જશે અને 7 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સોફ્ટ લૅન્ડિંગ કરશે.