Ahmedabad: અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ, ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યાં, આઈસોલેશન વોર્ડ તૈયાર
Ahmedabad: રાજકોટનાં એક સહિત ગુજરાતમાં કોરોનાના 9 કેસ નોંધાતા રાજ્યની સરકારી હોસ્પિટલો સાબદી થઈ છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ કોરોનાની પુનઃપ્રવેશને લઈને ગભરાટ નહીં પણ તકેદારી રાખવા સૂચવ્યું છે.
ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતાં આંકડો 9 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 20 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવતાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. હાલ તેને ઓક્સિજન પર રાખવામાં આવી છે. કોરોનાને લઇ સોલા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે, સાથે કોરોના માટે દવા, ઓક્સિજન અને ઇન્જેક્શન પણ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૨૨ બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે.
અમદાવાદમાં કોરોનાના 8 કેસ આવ્યા છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર ઊભી થાય તો 20,000લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના કોવિડ વિભાગના નોડલ ઓફિસર ડો. એસ.એન. ચેટરજીના જણાવ્યા અનુસાર જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં કોવિડના વેરીયેન્ટના સંદર્ભમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ પહેલા કોરોનાના કહેર સમયે ડો. ચેટર્જીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી.