Weather કેરળમાં ચોમાસું જલ્દી પહોંચશે
Weather ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, ચોમાસું આગામી 2 દિવસમાં કેરળ પહોંચવાની શક્યતા છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન આસપાસ પહોંચે છે, પણ આ વર્ષે તે થોડી વહેલી આંટ કરી શકે છે. ચોમાસાની આગમન પૂર્વે દેશના વિવિધ રાજ્યોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તોફાન અને ભારે પવનની ચેતવણી
હવામાન વિભાગે દક્ષિણ અને પશ્ચિમ ભારત માટે ભારે વરસાદ અને પવનની ચેતવણી આપી છે. ખાસ કરીને કેરળ અને કર્ણાટકમાં 24 થી 29 મે દરમિયાન વાવાઝોડા સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી અને તેલંગાણામાં પણ 50-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડશે.
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા
IMD મુજબ, 24 થી 27 મે દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે જ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં પણ હળવા થી મધ્યમ વરસાદ સાથે વીજળી પડવાની શક્યતા છે.
હિમાલયના વિસ્તારોમાં કરા અને વીજળીની આગાહી
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા ઉત્તર ભારતમાં 24 થી 29 મે દરમિયાન કરા પડવાની અને વીજળી પડવાની શક્યતા છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતના રાજ્યો – આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદ પડશે.
રાજસ્થાનમાં 48 ડિગ્રી તાપમાન, હીટવેવની ચેતવણી
જ્યારે કેટલાક પ્રદેશોમાં વરસાદ થવાની આગાહી છે, ત્યારે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં ગરમીનો ત્રાસ યથાવત છે. રાજસ્થાનના અનેક શહેરોમાં તાપમાન 47-48°C સુધી પહોંચ્યું છે. શ્રીગંગાનગર, બાડમેર અને જૈસલમેર સહિતના વિસ્તારોમાં હીટવેવની ચેતવણી છે. IMD મુજબ આગામી 2 દિવસમાં ઉત્તર ભારતમાં તાપમાન 2-4°C વધવાની સંભાવના છે.
દિલ્હી-NCRમાં આંશિક વાદળછાયું વાતાવરણ
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. 24 થી 26 મે દરમિયાન હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. પવનની ઝડપ 40-60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની આગાહી છે, જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.