સ્પેનના સ્ટાર ખેલાડી અને વિશ્વના બીજા ક્રમાંકિત રફેલ નડાલે ચોથા યુએસ ઓપન ટાઇટલ માટેના પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરતાં ઓસ્ટ્રેલિયાના જોન મેલમેનને સીધા સેટમાં હરાવીને આગેકૂચ કરી હતી. પુરૂષ ટોપ ટેનમાં સામેલ ડોમિનીક થિએમ, સ્ટીફાનોસ સિતસિપાસ, કેરેન ખાચોનેવ અને બતિસ્ટા અગુટ હારીને આઉટ થઇ ગયા છે અને તેના કારણે નડાલનો ફાઇનલ સુધીનો પ્રવાસ થોડો સરળ બની ગયો છે.
બીજા ક્રમાંકિત અને 2010, 2013 અને 2017માં અહીં ચેમ્પિયન થયેલા નડાલે લગભગ બે કલાકમાં 60માં ક્રમાંકિત ઓસ્ટ્રેલિયન મિલમેનને 6-3, 6-2, 6-2થી હરાવ્યો હતો. બે વારના ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન થિએમને ઇટલીના થોમસ ફાબિયાનોએ 6-4, 3-6, 6-3, 6-2થી હરાવ્યો હતો. થિએમ આ પહેલા વિમ્બલ્ડનમાં પણ પહેલા રાઉન્ડમાંથી જ આઉટ થયો હતો. સિતસિપાસનો આન્દ્રે રુબલેવ સામે, ખચાનોવનો કેનેડિયન વાસેક પાસિપિસિલ સામે જ્યારે અગુટનો કઝાકિસ્તાનના મિખાઇલ કુકુશકિન સામે પરાજય થયો હતો. એલેકઝાન્ડર ઝ્વેરેવ પાંચ સેટની લડત લડીને માલદોવાના રાડુ એલ્બટને 6-1, 6-3, 3-6, 4-6, 6-2થી હરાવીને આગળ વધ્યો હતો. મારિન સિલિચે સ્લોવાકિયાના માર્ટિન ક્લિઝાનને સીધા સેટમાં હરાવીને આગેકૂચ કરી હતી.
યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં ટોચના ક્રમાંકિતો માટે મંગળવાર અમંગળ બન્યો
યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં મંગળવારનો દિવસ અપસેટનો દિવસ રહ્યો હતો અને પુરૂષ ટોપ ટેનમાં સામેલ ચાર ખેલાડી તેમજ મહિલાઓમાં 11મી ક્રમાંકિત ખેલાડી સ્પર્ધામાંથી આઉટ થયા હતા. મહિલાઓમાં સ્લોઅન સ્ટીફન્સ જ્યારે પુરૂષોમાં ચોથા ક્રમાંકિત ડોમિનીક થિએમ, 8માં ક્રમાંકિત સ્ટીફાનોસ સિતસિપાસ, 9માં ક્રમાંકિત કેરેન ખાચોનેવ અને 10માં ક્રમાંકિત રોબર્ટ બતિસ્ટા અગુટ પહેલા રાઉન્ડમાં જ હારીને સ્પર્ધા બહાર ફેંકાઇ ગયા હતા.