ભારતીય ટીમનો વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પૂરો થઇ ગયો છે અને આ દરમિયાન જ ટીમના હેડ કોચ તેમજ તેનો સપોર્ટ સ્ટાફ પણ નક્કી કરી દેવાયો છે, ત્યારે બેટિંગ કોચ પદેથી હટાવી દેવાયેલા સંજય બાંગરે વેસ્ટઇન્ડિઝ પ્રવાસ દરમિયાન જ્યારે કોચિંગ સ્ટાફની પસંદગી પ્રક્રિયા ચાલતી હતી ત્યારે ત્યાં હાજર પસંદગીકાર સભ્ય દેવાંગ ગાંધીના રૂમમાં જબરદસ્તી ઘુસી જઇને તેમની સામે પોતાનો રોષ ઠાલવ્યો હોવાની વાત સામે આવી છે.
છેલ્લા પાંચ વર્ષથી ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે કામ કરનાર બાંગરને વર્લ્ડકપ પછી એ પદેથી હટાવી દઇને તેના સ્થાને વિક્રમ રાઠોરને બેટિંગ કોચ બનાવાયો છે. એવી વાત સામે આવી છે કે જ્યારે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદની આગેવાનીમાં જ્યારે પસંદગી સમિતિ મુખ્ય કોચ માટેના સપોર્ટ સ્ટાફની પસંદગી માટે ઇન્ટરવ્યુ કરી રહી હતી તે સમયે બાંગર જબરદસ્તી દેવાંગ ગાંધીના રુમમાં ઘુસી આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે હું વિતેલા પાંચ વર્ષોથી ટીમ સાથે છું અને ખેલાડીઓને સારી રીતે સમજુ છું ત્યારે મને બેટિંગ કોચ પદેથી હટાવવાનો નિર્ણય અવળો પુરવાર થશે.
બાંગરે એવું કહ્યું હતું કે જો પસંદગીકારો મને બેટિંગ કોચ તરીકે ફિટ નથી માનતા તો નેશનલ ક્રિકેટ એકેડમીમાં મને ક્યાંક સામેલ કરવો જોઇએ. હવે એવા અહેવાલ આવ્યા છે કે બીસીસીઆઇએ એવું સ્પષ્ટ કર્યું છે કે જો ટીમ મેનેજર અથવા હેડ કોચ રવિ શાસ્ત્રી સંજય બાંગરના ખરાબ વ્યવહારનો પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કરશે તો આ અંગે સંજય બાંગર પાસે બીસીસીઆઇ જવાબ માગી શકે છે.