ગુરૂવારે જ્યારે ભારતીય ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડકપ 2022 ક્વોલિફાયરમાં ઓમાન વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે ત્યારે કોચ ઇગોર સ્ટિમક અને કેપ્ટન સુનિલ છેત્રી માટે તે સૌથી મોટો પડકાર બની રહેશે. વર્લ્ડકપ 1998ની સેમી ફાઇનલમાં પહોંચેલી ક્રોએશિયન ટીમના સભ્ય રહી ચુકેલા સ્ટિમક ભારતીય ટીમના સૌથી હાઇ પ્રોફાઇલ કોચમાંથી એક છે પણ તેમની શરૂઆત એટલી સારી રહી નથી.
થાઇલેન્ડમાં કિંગ્સ કપમાં ભારતીય ટીમ ત્રીજા સ્થાને રહી તો ઇન્ટરકોન્ટિનેન્ટલ કપમાં પણ પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. હવે આગામી મહિનાઓમાં ભારતીય ટીમે આકરા પડકારોનો સામનો કરવાનો છે અને એ વાત કોચ પોતે પણ સારી રીતે જાણતા હશે. ભારતીય ટીમના ગ્રુપમાં ઓમાન અને કતર બે મજબૂત ટીમો છે, જો ભારતીય ટીમ બીજા સ્થાને રહેશે તો તે ત્રીજા ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પ્રવેશ કરી લેશે. પ્રથમ મેચ પહેલા ભારતીય ટીમનો યુવા મિડફિલ્ડર અમરજીત સિંહ કિયામ ઇજાને કારણે આઉટ થતાં ભારતને મોટો ફટકો પડ્યો છે.