કદાચ તમને સાંભળીને નવાઈ લાગશે કે અમદાવાદ એરપોર્ટનું ડોમેસ્ટિક ટર્મિનલનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી તે સીલ થઇ જાય તેવી નોબત આવી ગઈ છે. છેલ્લા ચાર વર્ષના વ્યાજ સાથે રૂ. ૩.૩૬ કરોડનો પ્રોપર્ટી ટેક્સ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભરપાઈ ન કરતા અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડે રિકવરી માટે નોટીસ ફટકારી છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭-૧૮માં અમદાવાદ એરપોર્ટનો નફો ૩૭૫.૬૭ કરોડને આંબી ગયો હતો જે છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ૭૨ ટકા વધુ હોવા છતાં પ્રોપર્ટી ટેક્સ ભરવામાં ઓથોરિટીને કોઇ રસ નથી.
ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ જો સીલ થશે પ્રતિદીન ૪૭ હજાર મુસાફરો સાથે ૨૦૦ ડોમેસ્ટિક ફલાઇટોની આવનજાવન પર રુકાવટ આવી શકે છે. ઓથોરિટી સમયસર પ્રોપર્ટી ટેક્સની ચુકવણી નહીં કરે તો આબરૂના ધજીયા ઉડી જશે. આ મામલે એરપોર્ટ ઓથોરિટી ફરીથી વિવાદમાં આવી છે.
કેન્ટોન્ટમેન્ટ બોર્ડના ઉચ્ચ સત્તાધીશોએ ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે અમદાવાદ એરપોર્ટમાં સમાવિષ્ઠ ગુજસેલ, ટર્મિનલ ૧, ૩, ૪ સહિત અન્ય કુલ ૬.૫૫ લાખ સ્કવેર ફુટ જગ્યા જે અમદાવાદ કેન્ટોન્ટમેન્ટ બોર્ડે વર્ષોથી લીઝ પર આપેલી છે જે ટર્મિનલનો ઓથોરિટી કોર્મશીયલ વપરાશ કરી તેમાંથી લાખોની આવક ઉભી કરી રહી છે પરંતુ કેન્ટોન્ટમેન્ટ બોર્ડને વર્ષ ૨૦૧૫-૧૬ થી અત્યાર સુધીનો એકપાઇપણ ટેક્સ ભરપાઇ કર્યો નથી, જેના કારણે કેન્ટોન્ટમેન્ટ બોર્ડને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બોર્ડ પાસે હાલ રિઝર્વ ફંડ ફકત ૪૦ લાખ છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે વર્ષ ૨૦૦૪-૦૫માં એરપોર્ટ ઓથોરિટી અને બોર્ડની મળેલી એક બેઠકમાં બિલ્ડીંગ, પાણી સફાઇ અને સ્ટ્રીટ લાઇટ સહિત વાર્ષિક રૂ. ૨૫ લાખ ટેક્સ આપવાનું નક્કી કર્યું હતું, જે ટેક્સ મ્યુનિ.ની સરખામણીમાં ઘણો ઓછો છે જે ક્યારેય વધારવામાં આવતો ન હતો. જેમ મ્યુનિ. અમુક વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરે છે તેમ અમે વર્ષ ૨૦૧૬-૧૭માં ટેક્સ વધારી રૂ. ૩૫ લાખ કર્યો હતો પરંતુ ત્યારબાદ ઓથોરિટીએ ટેક્સ ભરપાઈ કરવામાં ગંભીર બેદરકારી દાખવી છે, અત્યાર સુધી બેન્ક વ્યાજ આઠ ટકા સહિત ૩.૩૬ કરોડનો ટેક્સ ભરવા ઓથોરિટીને લેખિતમાં નોટીસ ફટકારી છે.
જે વધીને હાલમાં રૂ. ૩.૪૫ કરોડ પર પહોંચ્યો છે. જેમ મ્યુનિ. જેમ ટેક્સ વસુલાત માટે બિલ્ડીંગ સીલ કરે છે તેવી રીતે ડોમેસ્ટિક ટર્મિનલને સીલ કરવાની સત્તા કેન્ટોન્ટમેન્ટ બોર્ડ પાસે છે. નોંધનીય છે કે કેન્ટોન્ટમેન્ટએ ઓટોનોમસ બોર્ડ છે જ્યાં સિવિલયન અને આર્મી એક સાથે રહે છે. જેનું સંચાલન કેન્દ્રની ડિફેન્સ હેઠળ થાય છે. આ બોર્ડની કામગીરી એક નગરપાલિકા જેવી હોય છે. જ્યાં પગાર સહિત સુવિધાઓને લઇ તમામ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે.
આ અંગે એરપોર્ટ ડિરેકટર મનોજ ગંગલે જણાવ્યું કે હાલમાં હું વિદેશ હોવાથી આ મામલે મને કંઇ ખબર નથી. પ્રોપર્ટી ટેક્સ ભરવાની નોટીસ બોર્ડ એરપોર્ટે ડિરેકટરને આપી છે તે બાબતે પૃચ્છા કરતા ડિરેકટરે જણાવ્યું કે આ મામલો બંને કેન્દ્ર સરકાર વચ્ચેનો છે તેમ કહીને તેમને કંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.