કેનેડાની બિયાન્કા એન્દ્રેસ્કૂએ બુધવારે બેલ્જિયમની એલીસ મર્ટેન્સને હરાવીને યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સના અંતિમ 4માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે અને સેમી ફાઇનલમાં તેનો સામનો સ્વિટઝરલેન્ડની બેલિન્ડા બેનસિચ સાથે થશે. 13મી ક્રમાંકિત બેનસિચ ક્રોએશિયાની 23મી ક્રમાંકિત ડોવા વેકિચને હરાવીને સેમીમાં પ્રવેશી છે. રસપ્રદ વાત એ છે કે આ બંને ખેલાડી પહેલીવાર ગ્રાન્ડસ્લેમ સેમીમાં પ્રવેશી છે.
એન્દ્રીસ્કૂએ એલિસ મર્ટેન્સને 3-6, 6-2, 6-3થી હરાવી હતી. જ્યારે બેનસિચે વેકિચને 7-6, 6-3થી હરાવી હતી. આ બંને ખેલાડી અત્યાર સુધી એકબીજા સામે એકપણ મેચ રમી નથી. મહિલા સિંગલ્સની અન્ય એક સેમી ફાઇનલમાં 24માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતીને માર્ગારેટ કોર્ટના વિક્રમની બરોબરી કરવા આતુર સેરેના વિલિયમ્સ અને યુક્રેનની પાંચમી ક્રમાંકિત એલિના સ્વિતોલિના વચ્ચે રમાશે.