સ્પેનિશ ટેનિસ સ્ટાર અને વિશ્વના બીજા ક્રમાંકિત રફેલ નડાલે આર્જેન્ટીનાના ડિએગો શ્વાર્ટઝમેનને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 3 વારના ચેમ્પિયન નડાલે શ્વાર્ટઝમેન સામે 6-4, 7-5, 6-2થી વિજય મેળવ્યો હતો. પોતાના 19માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ માટે ફાઇનલમાં પ્રવેશ કરવા પહેલા નડાલે સેમીમાં ઇટલીના મેટિયો બેરિટીનીનો સામનો કરવો પડશે.
24માં ક્રમાંકિત મેટિયો બેરિટીનીએ ફ્રાન્સના 13માં ક્રમાંકિત ગાએલ મોફિલ્સને 3 કલાક 57 મિનીટ સુધી ચાલેલા મેરેથોન મુકાબલામાં 3-6, 6-3, 6-2, 7-6થી હરાવ્યો હતો.
શ્વાર્ટઝમેન સામે જીતવાની સાથે વડાલ 33મી વાર ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચ્યો છે અને તેની સાથે જ તે ઇતિહાસમાં અંતિમ ચારમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ સેમી ફાઇનલમાં પહોંચવા મામલે રોજર ફેડરર (45) અને નોવાક જોકોવિચ (36) પછી ત્રીજા ક્રમે છે. તે ન્યુયોર્કમાં 8મી વાર સેમી ફાઇનલમાં પહોંચ્યો છે.
બેરિટીની 42 વર્ષમાં ગ્રાન્ડસ્લેમ સેમીમાં પહોંચનારો પહેલો ઇટાલિયન પુરૂષ ખેલાડી
રોમનો 23 વર્ષિય ખેલાડી મેટિયો બેરિટીની ફ્રાન્સના ગાએલ મોફિલ્સને હરાવીને યુએસ ઓપનની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો તેની સાથે જ તે છેલ્લા 42 વર્ષમાં ગ્રાન્ડસ્લેમ સેમીમાં પહોંચનારો પહેલો ઇટાલિયન પુરૂષ બન્યો છે. તેના પહેલા 1977માં ઇટલીનો કોરોડો બારાજુટ્ટી અંતિમ 4માં પહોંચ્યો હતો. બેરિટીનીનો આ પેહલો ગ્રાન્ડસ્લેમ સેમી ફાઇનલ પ્રવેશ પણ છે. મહિલાઓમાં જોકે ફ્રાન્સેસ્કા સ્ચીવોને 2010માં યુએસ ઓપન અને ફ્લેવિઆ પેન્નેટ્ટાએ 2015માં યુએસ ઓપન ટાઇટલ જીત્યું છે.