બાંગ્લાદેશ સામે ગુરૂવારથી અહીં શરૂ થયેલી એકમાત્ર ટેસ્ટમાં અફઘાનિસ્તાને મજબૂત શરૂઆત કરી હતી અને પહેલા દિવસની રમત પુર્ણ થઇ ત્યાં સુધીમાં રહમત શાહની સદીની મદદથી 5 વિકેટે 271 રનનો સ્કોર બનાવી લીધો હતો. રહમત શાહ અફઘાનિસ્તાન વતી ટેસ્ટમાં સદી ફટકારનારો પહેલો ખેલાડી બન્યો હતો. પહેલા દિવસની રમત બંધ થઇ ત્યારે અસગર અફઘાન 88 અને અફસર ઝાઝઇ 35 રન બનાવીને રમતમાં હતા.
સૌથી યુવા કેપ્ટન બનવાનો રેકોર્ડ કરનાર રાશિદ ખાને ટોસ જીતીને દાવ લીધા પછી અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી અને તેમણે 77 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી રહમત અને અસગરે મળીને 120 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી રહમત 102 રન કરીને આઉટ થયો તે પછી મહંમદ નબી પણ આઉટ થયો હતો, જો કે અસગર અને અફસરે તે પછી 74 રનની નોટઆઉટ ભાગીદારી કરી દિવસના અંત સુધી વધુ નુકસાન થવા દીધું નહોતું.