પાકિસ્તાનના દિગ્ગજ લેગ સ્પિનર અબ્દુલ કાદિરનું કાર્ડિયાક એરેસ્ટને કારણે 63 વર્ષની વયે નિધન થયું છે. કાદિરે પોતાની 16 વર્ષની ઇન્ટરનેશનલ કેરિયરમાં 67 ટેસ્ટ રમીને તેમાં 236 અને 104 વનડે રમીને તેમાં 132 વિકેટ ઉપાડી હતી. પાંચ વન-ડેમાં પાકિસ્તાની ટીમના સુકાની પણ તે રહ્યા હતા.
કાદિરની ટોપ સ્પિન ઘણી ખતરનાક ગણાતી હતી અને દિગ્ગજ બેટ્સમેન તેમનો સામનો કરવામાં છક્કડ ખાઇ જતા હતા. વળી કાદિર બે પ્રકારની ગુગલી ફેંકી શકતાં હતા અને તેમની કેરિયરમાં ઇમરાન ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની બોલિંગ એકશનને કારણે કાદિર ડાન્સિંગ બોલર તરીકે જાણીતા હતા.
કાદિરે ઇંગ્લેન્ડ સામે હંમેશા સારું પ્રદર્શન કર્યું હતુ અને 1987માં પાકિસ્તાનમાં 3 ટેસ્ટની સિરીઝમાં તેમણે 30 વિકેટ ઉપાડી હતી જે એક સિરીઝમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. આ સિરીઝ દરમિયાન લાહોર ટેસ્ટમાં તેમણે 56 રનમાં 9 વિકેટ ઉપાડી હતી જે કોઇપણ પાકિસ્તાની બોલર દ્વારા ટેસ્ટમાં કરાયેલું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. કાદિરે 1983 અને 1987 એમ બે વર્લ્ડકપ રમ્યા હતા.