G7 Summit 2025: G7 સમિટમાં મોદી-મેલોની મુલાકાતે સોશિયલ મીડિયા પર છવાઈ ‘Melody’ મિત્રતા
G7 Summit 2025: કેનેડાના અલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસ શહેરમાં યોજાયેલી 51મી G7 સમિટ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીની પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની વચ્ચેની મુલાકાત સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. મેલોનીએ ‘X’ (હમણાંનું ટ્વિટર) પર વડાપ્રધાન મોદી સાથેનો ફોટો શેર કરતા લખ્યું, “ઇટાલી અને ભારત એક મહાન મિત્રતાથી જોડાયેલા છે.”
તેમની આ પોસ્ટ પર પીએમ મોદીએ પણ પ્રતિસાદ આપ્યો અને કહ્યું, “પ્રધાનમંત્રી મેલોની, હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. ભારત અને ઇટાલી વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનશે, જેનો લાભ બંને દેશોના નાગરિકોને મળશે.”
#Melody ટ્રેન્ડિંગ: ભારતીય અને ઇટાલિયન નેતાઓ વચ્ચે મિત્રતાની છાંયા
મોદી-મેલોનીની વચ્ચેની આ હરખભરી મુલાકાત પછી સોશિયલ મીડિયા પર #Melody હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો છે, જેમાં લોકો બંને નેતાઓ વચ્ચેના સ્નેહભર્યા સંવાદને ઉજવી રહ્યા છે. અગાઉ, ડિસેમ્બર 2023 દરમિયાન COP-28 કલાઈમેટ સમિટ દરમિયાન બંને વચ્ચેનો સેલ્ફી વાયરલ થયો હતો. તે સમયે પણ મેલોનીએ લખ્યું હતું કે “અમે સારા મિત્રો છીએ.”
Italia e India, legate da una grande amicizia pic.twitter.com/krc54mpq6G
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 17, 2025
G7 દરમિયાન પીએમ મોદીની બીજી મહત્વપૂર્ણ મુલાકાતો
G7 સમિટ દરમિયાન પીએમ મોદીએ અન્ય વૈશ્વિક નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાતો કરી હતી:
- ઑસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીસ સાથે મુલાકાત અને મૈત્રીપૂર્ણ સંવાદ.
- દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે મહત્વપૂર્ણ ચર્ચા.
- મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ સાથે બેઠક, જેમાં આતંકવાદ સામેના ભારતના અભિગમને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો અને તેમને ભારત મુલાકાત માટે આમંત્રણ આપ્યું.
G7 સમિટમાં મોદીની ઉપસ્થિતિ અને ખાસ કરીને મેલોની સાથેની મિત્રતાને વિશ્વભરમાં લોકોએ સુંદર રીતે લીધું છે, અને આ પ્રકારના સંબંધો દ્વિપક્ષીય સહકારને એક નવી ઊંચાઈ તરફ લઈ જઈ શકે છે.