Banita Sandhu: બનિતા સંધુએ લાંબી શિફ્ટનો કર્યો વિરોધ, દીપિકા પાદુકોણના 8 કલાકના અભિગમને આપી ટેકો
Banita Sandhu: બોલિવૂડમાં કામના લાંબા કલાકોની પ્રથા ફરી એકવાર ચર્ચામાં છે. દીપિકા પાદુકોણના ફિલ્મ ‘સ્પિરિટ’ છોડી દેવાના સમાચાર પછી ફિલ્મ ઉદ્યોગમાં કલાકારો માટે 8 કલાકની શિફ્ટ અંગે ચર્ચા શરૂ થઈ છે. હવે અભિનેત્રી બનિતા સંધુએ પણ આ મુદ્દે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને લાંબી શિફ્ટોને અયોગ્ય ગણાવી છે.
“ફિલ્મ નિર્માણ યુદ્ધ નથી”: બનિતા સંધુ
એક તાજેતરની મુલાકાતમાં બનિતા સંધુએ જણાવ્યું કે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં 16 થી 18 કલાક સુધી ચાલતી શિફ્ટ સામાન્ય બની ગઈ છે, જે આરોગ્ય માટે નુકસાનકારક છે. તેમણે જણાવ્યું કે વિદેશોમાં કલાકાર યુનિયનો તેમજ શ્રમ કાયદાઓનાં કારણે એવા પરિસ્થિતિઓથી બચી શકાય છે, જ્યારે ભારતમાં હજુ આ બાબત પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
તેણે વધુમાં ઉમેર્યું કે, “મારે 24 કલાક સતત કામ કરવાનું પણ અનુભવ્યું છે, અને જ્યારે મેં આ બાબત ઉઠાવી ત્યારે કદાચ મને બ્લેકલિસ્ટ કરવામાં આવી.” તેમ છતાં, બનિતા જણાવે છે કે તેઓએ સાચા મુદ્દે અવાજ ઉઠાવ્યો અને તેમને તેનો અફસોસ નથી.
દીપિકા પાદુકોણ અને 8 કલાકની શિફ્ટની માંગ
દીપિકા પાદુકોણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ માટે શૂટિંગ સમયે 8 કલાકની શિફ્ટ અને નફામાં હિસ્સો જેવી શરતો મુકી હતી. અહેવાલ મુજબ, નિર્માતાઓએ આ શરતો નહીં માની હોવાથી દીપિકાએ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો હતો. હવે આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
“બોલીવુડમાંથી કામ ઓછું મળ્યું”: બનિતા
બનિતા સંધુએ જણાવ્યુ કે ફિલ્મ ‘ઓક્ટોબર’ પછી તેણે મોટા ભાગનો સમય હોલીવુડ અને સાઉથ ફિલ્મોમાં વિતાવ્યો. તેણે જણાવ્યું કે જો ભારતમાં વધુ સક્રિય રહી હોત તો કદાચ બોલીવુડમાં વધુ નામ કમાઈ શકત. તેણે એ પણ સ્વીકાર્યું કે બોલીવુડમાં જો તમે દૃશ્યપથ પરથી અદૃશ્ય થઈ જાઓ, તો લોકો તમને ભૂલી જાય છે.
બનિતા સંધુની નવી ફિલ્મ
અભિનેત્રી હાલમાં ફિલ્મ ‘ડિટેક્ટિવ શેરદિલ’માં જોવા મળી રહી છે, જેમાં દિલજીત દોસાંઝ, બોમન ઈરાની, ડાયના પેન્ટી, રત્ના પાઠક શાહ અને ચંકી પાંડે જેવા કલાકારોની ભુમિકા છે. ફિલ્મનું નિર્દેશન રવિ છાબરિયા દ્વારા કરવામાં આવ્યું છે અને તે એક કોમેડી-મિસ્ટ્રી પ્રકારની મનોરંજક ફિલ્મ છે.