Iran-Israeli War: ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકા પ્રવેશ્યું, યુએનમાં ચિંતા અને ચેતવણી
Iran-Israeli War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા પણ હવે ખુલ્લેઆમ કૂદી પડ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થાપનો પર હવાઈ હુમલા કર્યા છે, જેના પગલે ઈરાને યુએન સુરક્ષા પરિષદની કટોકટી બેઠક બોલાવી છે અને ત્યાં અમેરિકાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે.
ઈરાનનો સખત ઈશારો:
“હવે બધું સૈન્ય દ્વારા નક્કી કરવામાં આવશે – બદલો લેવાનો સમય, રીત અને સ્કેલ ઈરાની સશસ્ત્ર દળો દ્વારા નક્કી કરવામાં આવશે,” યુએનમાં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઇરાવાનીએ કહ્યું. તેમણે ઉમેર્યું, “અમેરિકા હવે યુદ્ધનો સીધો ભાગ બની ગયું છે. અમે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાનો બચાવ કરવાનો અમારો અધિકાર અનામત રાખીએ છીએ.”
અમેરિકાની કાર્યવાહી પર ગુટેરેસની ચેતવણી:
યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગંભીર ચેતવણી આપતા જણાવ્યું કે, “આ હુમલો ક્ષેત્રને એવા ‘વિનાશક દલદલ’ તરફ લઈ જઈ શકે છે, જ્યાંથી પાછું વળવું મુશ્કેલ બની શકે.” તેમણે કહ્યું કે મધ્ય પૂર્વ પહેલેથી જ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, અને આવા પગલાં સ્થિતિને વધુ ભડકાવી શકે છે.
ઈરાનનો આરોપ:
ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે, “શાંતિપૂર્ણ પરમાણુ સ્થાપનો પર હુમલો કરીને અમેરિકા આંતરરાષ્ટ્રીય કાયદાઓ, સંયુક્ત રાષ્ટ્ર ઘોષણાપત્ર અને પરમાણુ અપ્રસાર સંધિ (NPT)નું ઘોર ઉલ્લંઘન કરી રહ્યું છે.”