Donald Trump: ટ્રમ્પની મોટી જાહેરાત: ભારત સાથે ઐતિહાસિક વેપાર સોદો થઈ શકે છે
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત બિગ બ્યુટીફુલ બિલ કાર્યક્રમ દરમિયાન એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા ટૂંક સમયમાં ભારત સાથે “ખૂબ જ મોટી” વેપાર ડીલ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ચીન સાથે એક ડીલ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલે અમેરિકાએ ભારતથી આવતા કેટલાક ઉત્પાદનો પર 26 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જોકે, આ નિર્ણય 90 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. આ વધારાનો ટેક્સ હવે 9 જુલાઈ પછી લાગુ કરી શકાય છે. પરંતુ આ પહેલા ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી સંકેત મળ્યો છે કે બંને દેશો મોટા સોદા તરફ આગળ વધી શકે છે.
ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, “દરેક વ્યક્તિ આ ડીલનો ભાગ બનવા માંગે છે. થોડા મહિના પહેલા પ્રેસ પૂછી રહ્યું હતું કે શું કોઈને આમાં રસ છે? હવે અમે ચીન સાથે સોદો કર્યો છે અને અમે કેટલાક મહાન સોદા કરી રહ્યા છીએ. કદાચ આગામી ડીલ ભારત સાથે હશે, અને તે ખૂબ જ મોટી હશે.”
તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા દરેક દેશ સાથે વેપાર ડીલ નહીં કરે. “કેટલાક દેશોને અમે ફક્ત પત્ર મોકલીને આભાર માનીએ છીએ. તેમણે 25, 35 અથવા 45 ટકા ટેરિફ ચૂકવવા પડશે – આ સરળ રસ્તો છે,” ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.
જોકે ટ્રમ્પે ચીન સાથેના સોદાની વધુ વિગતો શેર કરી નથી, તે સ્પષ્ટ છે કે અમેરિકા વેપાર મોરચે સક્રિયતા બતાવી રહ્યું છે. અગાઉ, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ચીન પર લાદવામાં આવેલા ટેરિફ અને અન્ય પગલાંએ બંને દેશો વચ્ચે તણાવ વધાર્યો હતો.
હવે ભારત સાથે સંભવિત વેપાર કરારના સંકેતોએ વૈશ્વિક વ્યાપાર સમુદાયનું ધ્યાન ખેંચ્યું છે. ભારત અમેરિકા દ્વારા લાદવામાં આવેલા વધારાના ટેરિફમાંથી સંપૂર્ણ મુક્તિ ઇચ્છે છે, જ્યારે અમેરિકા ઇચ્છે છે કે ભારત ચોક્કસ અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ રાહત આપે.