Yashasvi Jaiswal: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2000 રન: જયસ્વાલ માટે દ્રવિડ-સેહવાગનો પડકાર
Yashasvi Jaiswal: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો બીજો મેચ એજબેસ્ટન ખાતે રમાશે, જ્યાં ટીમ ઇન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ પાસે ઇતિહાસ રચવાની શાનદાર તક હશે. જો જયસ્વાલ આ મેચમાં 97 રન બનાવી લેશે, તો તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં 2000 રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બનશે. હાલમાં આ રેકોર્ડ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરના નામે નોંધાયેલો છે, જેમણે 23 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જયસ્વાલે અત્યાર સુધી 20 ટેસ્ટ મેચમાં 52.86 ની સરેરાશથી 1903 રન બનાવ્યા છે અને ગાવસ્કરનો રેકોર્ડ તોડવા માટે તેમની પાસે બે ટેસ્ટ મેચ બાકી છે.
ઇનિંગ્સના આધારે જોવામાં આવે તો, રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગે 40-40 ઇનિંગ્સમાં 2000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા, જ્યારે ગાવસ્કરે 44 ઇનિંગ્સમાં 2000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. યશસ્વી અત્યાર સુધીમાં ૩૮ ઇનિંગ્સ રમી ચૂક્યો છે, એટલે કે, જો તે બીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ૯૭ રન બનાવે છે, તો તે સૌથી ઓછી ઇનિંગ્સમાં ૨૦૦૦ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે.
જોકે, લીડ્સ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની ફિલ્ડિંગ ખૂબ જ નબળી હતી. તેણે બંને ઇનિંગ્સમાં પાંચ કેચ છોડ્યા હતા, જેના કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં તેણે શાનદાર સદી ફટકારી હોવા છતાં, તે બીજી ઇનિંગ્સમાં માત્ર ૪ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. હવે એજબેસ્ટનમાં તેનું પ્રદર્શન જોવા જેવું રહેશે કે તે ટીકાકારોને યોગ્ય જવાબ આપી શકે છે અને નવો રેકોર્ડ બનાવી શકે છે કે નહીં.