Marigold Cultivation ગલગોટાની ખેતીથી ગેરંટી નફો: ઓછી મહેનત, વધુ કમાણી
દિલીપ પટેલ
અમદાવાદ
Marigold Cultivation ફૂલનું નામ સાંભળતા જ આપણે તેની મહેંક અને રંગ – આકારની કલ્પના કરીએ છીએ. ફૂલોનો મધમધતો બગીચો તો સૌએ જોયો હોય છે. ફૂલોના ખેતર વધી રહ્યા છે. 25 હજાર એકરમાં 30 હજાર ખેડૂતો મેરીગોલ્ડની ખેતી કરતા હોવાનું અનુમાન છે.
મન મહેંકાવતી સુગંધનો દરિયો ફૂલોની ખેતીમાં છે. સરળતાથી ઉપલબ્ધ એક એવું ફૂલ એટલે ગલગોટાનું ફૂલ.
ખેતી
Marigold Cultivation બારે માસ જો કોઈ ફૂલો મળતા હોય તો તે એક માત્ર ગલગોટા છે. કારણ કે શિયાળુ, ઉનાળુ અને ચોમાસું એમ ત્રણ ઋતુમાં ગલગોટાનું ઉત્પાદન લઈ શકાય છે.
ગલગોટાને કોઈ પણ જમીન અને આબોહવાને અનુકૂળ થવાની શક્તિ છે. તથા આખા વર્ષ દરમિયાન કરી શકાતી ખેતી છે. 7.0 થી 7.6 ની વચ્ચે પીએચ મૂલ્ય ધરાવતી સારી રીતે નિતારવાળી લોમી જમીન ઉત્પાદન માટે સારી માનવામાં આવે છે.
ઊંડી ખેડ કરો અને ખેડતી વખતે 15-20 ટન સડેલું ગાયનું છાણ અથવા ખાતર જમીનમાં ભેળવી દઈને હેક્ટર દીઠ છ થેલી યુરિયા, 10 થેલી સિંગલ સુપર ફોસ્ફેટ અને ત્રણ થેલી પોટાશ આપવાની ભલામણ કરવામાં આવી છે. યુરિયાને ત્રણ સરખા ભાગમાં વિભાજીત કરીને સિંગલ સુપર ફોસ્ફેટ અને પોટાશનો પુરો જથ્થો રોપણી વખતે આપવો. પ્રત્યારોપણના 30 અને 45 દિવસ પછી છોડની આસપાસની હરોળ વચ્ચે યુરિયાનો બીજો અને ત્રીજો ડોઝ આપવો. ખેતી માટે સૂર્યપ્રકાશ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રસાયણોના સ્થાને એઝોટોબેક્ટર, એઝોસ્પીરીલમ વગેરે જેવા જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જૈવિક ખાતરના ઉપયોગથી ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
ઉપયોગ
ધાર્મિક પૂજા, ધંધો, ગૃહ સુશોભન, લગ્ન, કાર શણગારમાં ગલગોટાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.
નવા વાહનની ખરીદી, ચોપડા પૂજન, હવન, નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં ઉપયોગ વધી રહ્યો છે. મહેમાનોનું સ્વાગત કે અંતિમ યાત્રામાં ગલગોટાના જ ફૂલો હાજર હોય છે.
ગલગોટાના ફૂલને અંગ્રેજીમાં ‘મેરીગોલ્ડ’ કહેવામાં આવે છે. સોનાના આભૂષણોના શણગારની જેમ શણગાર ગલગોટા વિના અધુરો છે.
ગલગોટાના ઘણા ઔષધીય ગુણ પણ છે, તેથી ઔષધ સંબંધી વ્યવસાય અને સૌંદર્ય ઉત્પાદક કંપનીઓમાં પાકની સારી માંગ રહે છે.
માંગ
નવરાત્રીથી દિવાળી અને લગ્નસરા સુધી માંગ રહે છે.
રસિક પટેલ
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના પરઢોલ ગામે 30 વીઘા જમીન ધરાવતા રસિક પટેલ અને તેમના પુત્ર યોગેશ પરંપરાગત 30 વર્ષથી શાકભાજી, મગફળી અને ફૂલોની ખેતી કરે છે.
2 વીઘાના ખેતરમાં ગલગોટાના ફૂલોની ખેતી કરી છે. યોગેશ પટેલ કહે છે કે, હજારીગલ તરીકે ઓળખાતા ગલગોટાની ખેતી વર્ષમાં બે વાર કરીએ છીએ. બે મહિનાની ઓછી મહેનત, ઓછું પાણી, નહિવત ખાતર અને નહિવત રોગ આવે છે.
બિયારણ
રસિક કલકત્તી ગલગોટાના ફૂલની બે જાતો પીળા અને કેસરી રંગના ફૂલનું પાંચ વીઘાના ખેતરમાં વાવેતર કરતા રહે છે. તેનું બિયારણ પોતે ગલગોટામાંથી તૈયાર કરે છે. અથવા તૈયાર કલમ અને રોપાઓ બેંગ્લોર અને પૂનાની નર્સરીમાથી મંગાવે છે. નર્સરી જાતે તૈયાર કરી શકે છે. એક એકર જમીન માટે લગભગ 600-800 ગ્રામ બીજની જરૂર પડે છે.
વાવણી જૂનના મધ્યથી જુલાઈના મધ્યમાં વરસાદની મોસમમાં કરવી જોઈએ. શિયાળામાં, તેની વાવણી મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબર સુધી પૂર્ણ થવી જોઈએ. 3×1 મીટરના કદના નર્સરી બેડ તૈયાર કરીને બી વવાય છે. ટ્રેનો ઉપયોગ કરવાથી સારા પરિણામ મળે છે. તેમાં ગાયનું છાણ, ખાતર અને માટી કે કોકો પીટનો ઉપયોગ કરવામાં આવે છે.
બીજને અંકુરીત થવામાં લગભગ 5 થી 10 દિવસનો સમય લાગે છે અને 15 થી 20 દિવસમાં છોડ રોપવા માટે તૈયાર થઈ જાય છે. સામાન્ય રીતે એક છોડની કિંમત 4 થી 10 રૂપિયા હોઈ શકે છે.
ફુલોની જાતો
1-
પૂસા નારંગી જાત વાવેતરના 123-136 દિવસે ફૂલો આપવાનું શરૂ કરે છે. ફૂલનો રંગ લાલ નારંગી અને લંબાઈ 7 થી 8 સે.મી. અને ઉપજ પ્રતિ હેક્ટર 35 ટન સુધી થાયે છે.
2 –
પુસા બસંતી જાત 135 થી 145 દિવસમાં તૈયાર થઈ જાય છે. ફૂલનો રંગ પીળો અને વ્યાસ 6 થી 9 સેન્ટિમીટર સુધી રહે છે.
3 –
આફ્રિકન ગલગોટા મોટા, ગાઢ પીળા, સોનેરી પીળાથી નારંગી રંગના હોય છે જે આખા વર્ષ દરમિયાન ફૂલો આપે છે. વાવણી પછી 90-100 દિવસમાં ફૂલો આપવાનું શરૂ કરે છે. છોડની ઊંચાઈ 75-85 સે.મી. સુધી થાય છે.
4 –
ફ્રેન્ચ ગલગોટા બીજ વાવ્યાના 75-85 દિવસ પછી ફૂલ આવે છે. છોડ ઘણી શાખાઓ સાથે લગભગ 1 મીટર ઉંચા હોય છે. ફૂલો ગોળાકાર હોય છે. જેમાં ઘણી પાંખડીઓ હોય છે અને પીળા અને નારંગી રંગના હોય છે. મોટા ફૂલોનો વ્યાસ 7-8 સે.મી. સુધી થાય છે.
વાવેતર
ટપક સિંચાઈ અને છુટ્ટુ પાણી આપી બે થી અઢી મહિનામાં ફૂલોનો પાક તૈયાર થઇ જાય છે. ફૂલ પાકોમાં ગલગોટા, ગુલાબ, ગેલાર્ડિયા, સેવંતી અને બસંતી ફૂલો ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે. ગલગોટા બે પ્રકારના છે એક છે ફ્રેન્ચ મેરીગોલ્ડ અને બીજું છે આફ્રિકન મેરીગોલ્ડ.
આફ્રિકન ગલગોટાની રોપણી સાંજે 45 સે.મી.ના અંતરે કરવું જોઈએ. એક હેક્ટરમાં વાવેતર માટે 50 થી 60 હજાર છોડની જરૂર પડશે.
ફ્રેન્ચ મેરીગોલ્ડ 25 સે.મી.ના અંતરે વાવો. હેક્ટર દીઠ દોઢથી બે લાખ છોડની જરૂર પડે છે.
સિંચાઈ
રોપાણી પછી તુરંત સિંચાઈ આપવી. સિંચાઈ હવામાન પર આધાર રાખે છે. છોડને વધુ ભેજની જરૂર હોતી નથી. જો પાણીની સારી નિકાલ હોય તો ઉનાળામાં 7-8 દિવસના અંતરે અને શિયાળામાં 11-14 દિવસના અંતરે પિયત આપવું જોઈએ. ગલગોટાના છોડની દાંડી નબળી હોય છે, તેથી તેને ટેકો આપવો જરૂરી હોય છે અને સમયાંતરે માટી ઉમેરવી પણ જરૂરી હોય છે.
સારવાર
છોડ કે ફૂલોમા રોગ ન આવે તે માટે ગૌમૂત્ર અને ખાતર તથા દવાનો છંટકાવ કરે છે. પાણી નિતારી અને નિંદણનું સમયસર નિયંત્રણ કરવામાં આવે તો જીવાતો અને રોગોની સમસ્યા ઓછી થાય છે. એફિડ કીટ પાકને અસર કરી શકે છે. પત્તા લપેટ અથવા પાવડરી ફૂગ આવી શકે છે.
રોઝ, ભૂંડ જેવા જાનવરનો પણ ત્રાસ રહેતો નથી.
મધમાખી ઉછેર કરીને ઉત્પાદનમાં 25 ટકા વધારો અને મધની આવક કરી શકાય છે.
બીજા પાકમાં થતા કીટકો હજારી ગોલ્ડમાં રોકાઈ જાય છે. તેથી બીજા પાકમાં રોગ ઓછો આવે છે.
લલણી
ફુલ છોડ પર પૂરાં ખીલ્યા પછી જ ઉતારવા જોઈએ. ફૂલો ઉતારવાનું કામ વહેલી સવારે અથવા સાંજે ઠંડા પહોરમાં કરે છે. વાંસના ટોપલામાં વ્યવસ્થિત ભરીને બજાર માટે મોકલવા. ફૂલો તોડતા પહેલા ખેતરમાં હળવું સિંચાઈ કરવી જોઈએ, જેથી ફૂલો તાજા રહે. લણણી પછી ફૂલોને કાગળથી ઢાંકી દો. જેથી કરીને તેમનો ભેજ ઓછો ન થાય.
એક એકરના ખેતરમાં ફૂલોની ઉપજ દર અઠવાડિયે 3 ક્વિન્ટલ સુધીની હોય છે.
ઉત્પાદન
એક વીઘામાંથી 250થી 300 મણ ગલગોટાના ફૂલ મળતા રહે છે. 1 છોડ પર 4 કિલો ફૂલ મળી શકે છે.
બજાર
તેઓ કહે છે કે, ફૂલોનુ સીધું જ માર્કેટિંગ અમદાવાદ ફૂલ બજારમાં કરીએ છીએ. ગલગોટાની ખેતીથી ઓછા ખર્ચે બમણી આવક મેળવી શકાય છે. આ ખેતીમાં ક્યારેય ખોટ જતી નથી. શ્રાવણ તેમજ નવરાત્રી અને દિવાળીમાં ગલગોટાની વધુ માંગ વધુ હોવાથી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે.
ખાતર
ફૂલો ઉતાર્યા બાદ તેના વધેલા સુકા છોડનું તે જ જમીનમાં ખાતર પણ થઇ જાય છે.
આવક
90 દિવસમાં ગોલ્ડમાં રોકાણ કરીએ તેના કરતાં વધુ સવાયું મેરીગોલ્ડ અમને કમાઈ આપે છે. એક કિલોનો ભાવ 30-50 રૂપિયા રહેતો હોય છે. સરળ વેચાણ સાથે ઓછા સમયમાં સારો નફો મળે છે. એક ઋતુમાં 80 હજારથી 1 લાખ રૂપિયા આવક મળી શકે છે. રોકડિયો પાક છે તેમાં ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે છે. ખેતી ખર્ચ બાદ કરતા વધારાની બમણી આવક મળતી રહે છે. રોજિંદી આવક ચાલુ રહેતા સામાજિક જીવન ધોરણમાં પણ ખુબ સારો ફરક પડે છે. હજારીગલ ટૂંકા સમયમાં હજારો ગણો નફો આપે છે. તેમ રમેશભાઈ માને છે.
ખર્ચા સામે 4 ગણો નફો ગલગોટાની ખેતીથી થઈ શકે છે.
અમદાવાદને પછાડતા દાહોદના ખેડૂતો
રાજયમાં અમદાવાદ જીલ્લો ગલગોટાના ઉત્પાદનમાં મોખરે છે. 2020માં સરકારે જાહેર કર્યું હતું કે, અમદાવાદ જિલ્લો ગલગોટાની ખેતીમાં ત્રણ વર્ષથી ઉત્પાદન અને વિસ્તારની દ્રષ્ટિએ મોખરે છે. મહત્તમ વાવેતર દસ્ક્રોઇ અને ધોળકા તાલુકામા ગુલાબ અને ગલગોટાનું થાય છે. ઉત્પાદન અને વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર રાજયમાં પ્રથમ હરોળમાં રહ્યું છે. ગલગોટાનું વાવેતર 1 હજાર હેકટર વિસ્તારમાં હતું.
જિલ્લા બાગાયત નિયામક જે.આર પટેલે 2020માં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં ફૂલોનો વાવેતર વિસ્તાર 20300 હેક્ટર જેટલો છે. તેમાંથી 1 લાખ 95 હજાર મેટ્રિક ટન ફૂલોનો ઉતારતા હતા.
હવે 2023-24માં સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. દાહોદમાં સૌથી વધુ મેરીગોલ્ડ પાકે છે. દાહોદમાં 1164 હેક્ટરમાં 11593 ટન મેરીગોલ્ડ પાકે છે. જે આખા ગુજરાતમાં સૌથી વધારે છે. તેમ કૃષિ વિભાગના બાગાયતી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં શ્રેષ્ઠ ઉત્પાદકતા સાબરકાંઠાની 10.36 ટન, મોરબી 10.27 ટન, બનાસકાંઠાની 10.11 ટન, આણંદની 10.18 ટન, ડાંગની 10.13 ટન અને સુરતની 10 ટનની ઉત્પાદકતા એક હેક્ટરે છે. તેમ બાગાયતી વિભાગના અધિકારીએ વિગતો આપી હતી.
ગુજરાતમાં મેરીગોલ્ડ
ગુજરાતમાં 21-22 હજાર હેક્ટરમાં તમામ જાતના ફુલોની ખેતી થાય છે. જેમાં 50 ટકા ખેતરમાં મેરીગોલ્ડ વાવેતર થાય છે. જે 10 હજાર હેક્ટર વિસ્તાર છે. 25 હજાર એકરના 30 હજાર ખેડૂતો મેરીગોલ્ડની ખેતી કરતાં હોવાનું અનુમાન છે.
વળી, ગુજરાતમાં તમામ જાતના ફુલોનું ઉત્પાદન 2 લાખ ટન છે. જેમાં મેરીગોલ્ડ ફૂલોનું ઉત્પાદન 87થી 90 હજાર ટન છે. કુલ ફુલોના 47-50 ટકા ફુલ મેરીગોલ્ડ હોય છે. ગુલાબના ફુલો 41થી 42 હજાર ટન વર્ષે પાકે છે. તેમ હોર્ટીકલ્ચર ડાયરેક્ટરની કચેરી દ્વારા જણાવાયું હતું.
ગલગોટાના અન્ય ફાયદા
બીજમાં 24 ટકા પ્રોટીન અને 20 ટકા તેલ હોય છે. તેમાં આલ્કેલોઈડ છે. મૂળમાં બાઇ થાયોનિલ અને થોડું ટર થાયોનિલ મળી આવે છે. આ સંયોજનો કૃમિનાશક સક્રિયતા દાખવે છે. મૂળનો નિષ્કર્ષ સૂત્ર કૃમિના ઈંડાંનો નાશ કરે છે.
વનસ્પતિનો આસવ સંધિવા, શરદી અને શ્વસનીશોથમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મૂળનો નિષ્કર્ષ રેચક ગુણધર્મ ધરાવે છે. પાન મૂત્રપિંડની તકલીફ તથા સ્નાયુના દુખાવામાં વપરાય છે. દાઝ્યા પર તથા ગુમડા પર લગાડવામાં આવે છે. પાનનો રસ કાનના દુખાવામાં ઉપયોગી છે. પાન-ફૂલનો આસવ કૃમિહર , મૂત્રલ અને વાતહર હોય છે. પુષ્પ આંખના રોગો અને ચાંદાની ચિકિત્સામાં વપરાય છે.
દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી જાતિ છે. પડતર જમીન પર કે શુષ્ક સ્થળોએ કે ઊંચાઈએ થાય છે.
તેલ આનંદદાયક સુવાસ ધરાવે છે. બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. આ તેલમાં કાર્બોનિલ દ્રવ્ય સૌથી વધારે પ્રમાણમાં હોય છે અને તેને ટેજીટોન તરીકે ગણતરીમાં લેવામાં આવે છે. ટેજીટોનની હાજરીને કારણે તે વિષાળુ હોય છે અને તેથી તેનો ઉપયોગ અત્તર ઉદ્યોગ પૂરતો મર્યાદિત છે.
રોગના વિષાણુ સામે પ્રતિવિષાણુક (antiviral) અસર દાખવે છે. મૂળમાં બાઇ થાયોનિલ વ્યુત્પન્ન હોવાથી કૃમિનાશક ગુણધર્મ ધરાવે છે. તમાકુનાં ખેતરમાં તેને ઉગાડતાં તમાકુના મૂળને સૂત્રકૃમિ દ્વારા થતા ગાંઠના રોગની આવૃત્તિ ઘટી જાય છે. છોડ તીવ્ર ઇયળ નાશક અસર આપે છે અને બ્લોફ્લાય પ્રતિકર્ષી છે. તે ગાયોને વિષાકતન કરે છે. તે દૂધ અને માખણ બગાડે છે. છોડનો રસ આંખ અને ત્વચામાં પ્રકોપ કરે છે.