Thailand: થાઈલેન્ડના વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રા પદ પરથી સસ્પેન્ડ, સરકારમાં રાજકીય અસ્થિરતા વધી
Thailand: થાઈલેન્ડના વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાને નૈતિકતા સંબંધિત ગંભીર આરોપો બાદ બંધારણીય અદાલતે પદ પરથી સસ્પેન્ડ કર્યો છે. આ નિર્ણય મંગળવારે 7-2 ની બહુમતી સાથે લેવામાં આવ્યો હતો, જેમાં આ કાર્યવાહી તેના એક લીક થયેલા ફોન કૉલના આધારે લેવામાં આવી છે. ફોન કૉલમાં પેટોંગટાર્ન કંબોડિયાના ભૂતપૂર્વ નેતા હુન સેને સાથે સરહદ વિવાદ પર નરમ વલણ દર્શાવતા જોવા મળ્યા હતા.
આ વિવાદ ખૂબ સંવેદનશીલ બની ગયો હતો કારણ કે 28 મેના રોજ આ સરહદે એક કંબોડિયન સૈનિકનું મોત થયું હતું, જેના કારણે થાઈ જનતામાં રોષ અને વિરોધ પ્રગટ્યો હતો.
કોર્ટના આ આદેશ મુજબ, પેટોંગટાર્નને 15 દિવસની અંદર પોતાના બચાવમાં પુરાવા રજૂ કરવા છે. આ દરમિયાન, તે વડા પ્રધાન પદ પરથી અસ્થાયી રીતે દૂર રહેશે.
પેટોંગટાર્નની પ્રતિક્રિયા:
પેટોંગટાર્ને કોર્ટના આ નિર્ણયને સ્વીકાર્ય માન્યો છે અને કહ્યું કે તે સંપૂર્ણ નિષ્ઠા સાથે પોતાનો બચાવ કરશે. તેણે તેના સમર્થકોનો આભાર માન્યો અને લોકો પાસે માફી માગી. “મેં દેશ અને સૈનિકોની સલામતી માટે જે કરવું જરૂરી હતું તે કર્યું, અને જો મેં કોઈ ખોટું કર્યું હોય તો હું તેને સ્વીકારવા તૈયાર છું,” તેમનું કહેવું હતું.
આગળનું દૃશ્ય:
પેટોંગટાર્નના સસ્પેન્શન બાદ, થાઈલેન્ડમાં રાજકીય અસ્થિરતા વધી શકે તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન કાર્યાલયના પ્રધાન ચૌસાક સિરિનિલે જણાવ્યું છે કે નાયબ વડા પ્રધાન અને પરિવહન પ્રધાન સુરિયા જુંગરુંગરુઆંગકિટને હાલ માટે કાર્યકારી વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઘટનાથી થાઈલેન્ડમાં સેના, ન્યાયતંત્ર અને લોકશાહી સરકાર વચ્ચેના તણાવ વધુ ઊંડા થઈ શકે છે અને આ રાજકીય સંકટને એક નવા ચરણમાં લઈ જઈ શકે છે.