સુરત કોર્ટનો મોટો ફેંસલો: હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના નેતાઓ ‘રાજદ્રોહ’ના કલંકમાંથી મુક્ત
વર્ષ ૨૦૧૫ના પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો લાવનાર ‘રાજદ્રોહ’ના કેસમાં આજે સુરત સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ, અલ્પેશ કથિરીયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ સહિતના તમામ પાટીદાર નેતાઓને આ ગંભીર કેસમાંથી મુક્તિ મળી છે. સરકાર દ્વારા આ કેસ પરત ખેંચવાની અરજીને કોર્ટે મંજૂર રાખતા વર્ષોથી ચાલી આવતી કાનૂની લડાઈનો સુખદ અંત આવ્યો છે.
શું હતો મામલો અને કોર્ટની કાર્યવાહી?
પાટીદાર અનામત આંદોલન દરમિયાન સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ અને અન્ય સાથીઓ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ કેસ લાંબા સમયથી સુરત સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. રાજ્ય સરકારે આંદોલનકારીઓ પરના કેસો પરત ખેંચવાની કરેલી જાહેરાત મુજબ, સરકારી વકીલ દ્વારા આ કેસ પરત ખેંચવા (Withdrawal) માટે અરજી કરવામાં આવી હતી.
નામદાર સેશન્સ કોર્ટે સરકારના આ નિર્ણયને ગ્રાહ્ય રાખ્યો છે અને તમામ આરોપીઓને તહોમતમાંથી મુક્ત કર્યા છે. જોકે, કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે અપીલ સમય સુધીના ૧૫ હજાર રૂપિયાના વ્યક્તિગત જામીન રજૂ કરવા માટે કોર્ટે હુકમ કર્યો છે.
બચાવ પક્ષના વકીલ અને અલ્પેશ કથિરીયાની પ્રતિક્રિયા
આ કેસમાં હાર્દિક પટેલ અને અન્ય નેતાઓ વતી જાણીતા એડવોકેટ યશવંતસિંહ વાળાએ કાનૂની લડત આપી હતી. કેસ પરત ખેંચાયા બાદ કોર્ટ પરિસરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કેસમાંથી મુક્તિ મળ્યા બાદ અલ્પેશ કથિરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ સરકારનો મક્કમ નિર્ણય હતો કે આ કેસને પરત લેવામાં આવે, જેના અનુસંધાને નામદાર કોર્ટે આજે આ હુકમ કર્યો છે. કોર્ટે આ કેસને ‘વિડ્રો’ જાહેર કર્યો છે, જે અમારા માટે ખૂબ મોટી રાહત છે. હું આજે મારા તમામ સાથી મિત્રોને અભિનંદન આપું છું. સરકારે તેના વાયદા અને વચન મુજબ સમયાંતરે આ કેસનું અપડેશન લીધું અને ન્યાય અપાવ્યો છે.” અલ્પેશ કથિરીયાએ આ તબક્કે સરકાર અને તમામ વકીલોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકીય અને સામાજિક અસરો
આ ચુકાદો હાર્દિક પટેલ માટે પણ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. રાજદ્રોહ જેવો ગંભીર ગુનો હટવાથી તેમની રાજકીય કારકિર્દી પરથી મોટું સંકટ દૂર થયું છે. પાટીદાર સમાજમાં પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે, કારણ કે આ કેસ આંદોલનની લડતનું એક મોટું પ્રતીક બની ગયો હતો.
દસ વર્ષ જેટલા લાંબા સમય બાદ પાટીદાર નેતાઓ પરથી ‘રાજદ્રોહી’નું લેબલ હટી ગયું છે. સરકારની સમાધાનકારી નીતિ અને કોર્ટના હકારાત્મક અભિગમથી આ પ્રકરણ પર હવે પૂર્ણવિરામ મુકાયું છે.

