સુરત: અલ્પેશ કથિરીયા સહિતના નેતાઓને રાજદ્રોહ કેસમાં મોટી રાહત, કોર્ટે કેસ પરત ખેંચવાની અરજી મંજૂર કરી
વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા રાજદ્રોહના કેસમાં આજે સુરતની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ કેસ પરત ખેંચવા માટે કરવામાં આવેલી અરજીને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી છે, જેના પગલે પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા, ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને આ ગંભીર કેસમાંથી સંપૂર્ણ મુક્તિ મળી છે.
અલ્પેશ કથિરીયાનું નિવેદન
રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળતા અલ્પેશ કથિરીયાએ હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે:
“આજે રાજદ્રોહનો આ જૂનો કેસ પરત ખેંચાયો છે તે ખુશીની વાત છે. સરકારનો નિર્ણય હતો કે આ કેસને પરત લેવામાં આવે, જેના અનુસંધાને નામદાર કોર્ટે આ હુકમ કરી કેસ ‘વીડ્રો’ જાહેર કર્યો છે. હું તમામ સાથી મિત્રોને અભિનંદન આપું છું.”
સરકાર અને વકીલોનો માન્યો આભાર
અલ્પેશે વધુમાં ઉમેર્યું કે સરકારે પોતાના વાયદા અને વચન મુજબ સમયાંતરે આ કેસનું અપડેશન લીધું છે. તેમણે કાયદાકીય લડતમાં સાથ આપનાર વકીલો અને સરકારના આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસને કારણે આંદોલનકારી નેતાઓ લાંબા સમયથી કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા હતા. સરકારના આ પગલાથી પાટીદાર સમાજ અને આંદોલન સાથે જોડાયેલા યુવાનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

