PM Modi: ત્રિનિદાદ અને ટોબેગાની સંસદમાં પીએમ મોદી ભાવુક બન્યા, કહ્યું – ‘સ્પીકરની ખુરશીએ હૃદય સ્પર્શ્યું’
PM Modi: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ તેમના વિદેશ પ્રવાસના અંતર્ગત ત્રિનિદાદ અને ટોબેગાની મુલાકાતે છે. શુક્રવારે તેમણે આ દ્વીપ દેશની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું, જ્યાં તેઓ એક ભાવુક ક્ષણનો સાક્ષી બન્યા.
પીએમ મોદીએ જણાવ્યું કે, જ્યારે તેમણે સંસદના સ્પીકરની ખુરશી પર લખેલા શબ્દો વાંચ્યા – “ભારતના લોકો વતી, ત્રિનિદાદ અને ટોબેગાના લોકો માટે” – ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા. તેમણે આ બેઠકને ફક્ત ફર્નિચર નહીં, પરંતુ ભારત અને ત્રિનિદાદ વચ્ચેની મિત્રતા, વિશ્વાસ અને લોકશાહી સંબંધોનું પ્રતીક ગણાવ્યું.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું, “આ પ્રતિષ્ઠિત ગૃહને સંબોધન કરવાનો સન્માન મેળવીને મને ખૂબ આનંદ થયો છે. હું આ ગૃહને ભારતના સાંસ્કૃતિક વારસાના સિલસિલા તરીકે જોઉં છું, કારણ કે અહીં એવા સાંસદો પણ બેઠેલા છે જેમના પૂર્વજો ભારતના બિહાર પ્રદેશથી અહીં આવ્યા હતા.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “આ રાષ્ટ્રની રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન – બંને ભારતીય મૂળની મહિલાઓ છે, જે પોતાને ગર્વથી NRIની પુત્રીઓ કહે છે અને તેમની ભારતીય જડોને ક્યારેય ભૂલ્યાં નથી.”
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારતીયો માટે લોકશાહી માત્ર રાજકીય માળખું નહીં, પણ એક જીવનશૈલી છે. તેઓએ કહ્યું કે, ત્રિનિદાદમાં 180 વર્ષ પહેલાં ભારતમાંથી લોકો દરિયાઇ માર્ગે અહીં આવેલા હતા. “તેમની સંસ્કૃતિએ કેરેબિયન લય સાથે સમન્વય સાધ્યો છે. આજે તેઓ રાજકારણથી લઈ રમતગમત, સાહિત્ય અને વેપાર સુધી દરેક ક્ષેત્રમાં યોગદાન આપી રહ્યાં છે.”
હાસ્યમિશ્રિત અંદાજમાં પીએમ મોદીએ કહ્યું, “વિન્ડીઝ ક્રિકેટ ટીમ માટે ભારતીયો બધાથી વધુ ઉત્સાહથી ચિયર કરે છે – સિવાય જ્યારે ટીમ ભારત સામે રમતી હોય!”